ઉદયપુર: (Udaipur) 24 સપ્ટેમ્બરે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. પરિણીતી અને રાઘવ શુક્રવારે લગ્ન માટે પરિવારના અન્ય સભ્યો સાથે ઉદયપુર પહોંચી ગયા છે. મહારાણા પ્રતાપ એરપોર્ટથી બહાર આવ્યા બાદ બધા હોટેલ જવા રવાના થયા હતા. આ પહેલા પરિણીતીએ એરપોર્ટની બહાર ઉભેલા ચાહકોનું હાલ હલાવીને અને રાઘવે હાથ જોડીને અભિવાદન કર્યું હતું.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન રવિવારે ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં થશે. હોટેલ ચારે બાજુથી પિછોલા તળાવ અને અરવલી પર્વતોથી ઘેરાયેલી છે. એવું જાણવા મળ્યું છે કે વરરાજા અને તેના જાનૈયાઓ ધ તાજ લેક પેલેસમાં રહેશે જ્યાંથી તેઓ શાહી બોટ લઈને લીલા પેલેસ હોટેલ પહોંચશે.
લગ્નના કાર્ડ પર દર્શાવ્યા મુજબ તેઓની બારાતમાં શાહી થીમ હશે. પિછોલા તળાવની મધ્યમાં તાજ લેક પેલેસ અને બીજી બાજુ લીલા પેલેસ છે. વરરાજા રાઘવ ચઢ્ઢા અને જાનૈયાઓ તાજ પેલેસથી શાહી નૌકાઓમાં સવાર થઈને રવિવારના રોજ બપોરે 2 વાગ્યે લીલા પેલેસ તરફ જશે. જણાવી દઈએ કે તેઓ જ્યાં રોકાવાના છે તે મહારાજા અને રોયલ સૂઈટ્સ સૌથી મોંઘા અને ખાસ છે.
પિછોલા તળાવના કિનારે સ્થિત હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન થશે. આ શાહી લગ્ન સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભાગવત માન, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સહિત રાજનીતિ, ઉદ્યોગ અને ફિલ્મ ઉદ્યોગની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપશે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આવતીકાલે શનિવારે પોતાની બહેનના લગ્નમાં હાજરી આપવા ઉદયપુર આવી શકે છે. આ લગ્ન સમારોહમાં 200 થી વધુ મહેમાનો આવવાની અપેક્ષા છે.
લંચ અને ડિનરની થીમ
મળતી માહિતી મુજબ પરિણીતી રાઘવના લગ્નની વિધિ આજે અને આવતીકાલે યોજાશે. શનિવાર 23 સપ્ટેમ્બરે પરિણીતીની ચૂડા સેરેમની લીલા પેલેસના મહારાજા સ્યૂટમાં થશે. આ દરમિયાન ‘પ્યાર કા ખાના થીમ’ પર લંચનું આયોજન કરવામાં આવશે. તે જ દિવસે સાંજે એક ડિનર પાર્ટી હશે જેની થીમ ‘લેટ્સ પાર્ટી લાઈક ઈટ્સ ધ નાઈન્ટીઝ 90’ હશે. 24 સપ્ટેમ્બરે રાઘવ ચઢ્ઢા હોટેલ લેક પેલેસથી શાહી બોટમાં સવાર થશે અને લગ્નના સરઘસ સાથે કન્યાને લેવા માટે હોટેલ લીલા પેલેસ પહોંચશે. શોભાયાત્રામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. લગ્ન બાદ રાઘવ અને પરિણીતી સાથે તમામ મહેમાનો 25 સપ્ટેમ્બરે પરત ફરશે.