National

ઉદેપુર-અમદાવાદ રેલવે ટ્રેક બોમ્બ બ્લાસ્ટ કેસમાં પોલીસને મળ્યા મહત્ત્વના પુરાવા

ઉદયપુર : માત્ર 14 દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ઉદયપુર-અમદાવાદ બ્રોડ ગેજ રેલવે લાઈનને (Udaipur Ahmedabad Broad Gage Railway Track Bomb Blast) વિસ્ફોટક મારફતે ઉડાવવાનું કાવતરુ રચવામાં આવ્યું હતું. કેટલાક તત્વોએ ઉદયપુર જિલ્લામાં કેવડા જંગલની આગળ ઓડા પુલ પર રેલવે ટ્રેક પર વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટથી રેલવેના પાટા પર તિરાડ પડી હતી અને અમુક ભાગ તૂટીને અલગ થયો હતો. પોલીસે કહ્યું હતું તેઓ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરી રહ્યા છે.

  • રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં કેવડા વનની નજીક ઓડા પુલ પર શનિવારે રાત્રે ધડાકો થયો, રેલવેના પાટાને નુકસાન થયું
  • ગામવાસીઓએ જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ધસી ગયા, આ ટ્રેક પર રેલવે વ્યવહાર બંધ કરી દેવાયો
  • થોડા કલાકો પછી એક ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી, વિલંબ થયો હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત

સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રામવાસીઓએ શનિવારની રાત્રે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. રવિવારની સવારે તેમણે પોલીસને આ અંગેની માહિતી આપી હતી ત્યારબાદ તુરંત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના કલેક્ટર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા. આ બનાવના થોડાક કલાકો બાદ જ વડા પ્રધાન દ્વારા 31 ઓક્ટોબરના રોજ જ શરૂ કરવામાં આવેલી આસર્વા-ઉદયપુર એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થવાની હતી. માહિતી મળ્યા બાદ ઉદયપુર-અમદાવાદ વચ્ચે ચાલનારી બંને મુસાફર ટ્રેનોને રદ કરવામાં આવી હતી. રેલવે ટ્રેકનું સમારકામ પૂરું થઈ જશે તો સોમવારની રાતથી આ રેલવે ટ્રેકને ફરીથી શરૂ કરવામાં આવશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સમારકામ પુરું ન થાય ત્યાં સુધી બંને ટ્રેનોનું સંચાલન અમદાવાદથી ડુંગરપુર સુધી કરાશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેકને ઉડાવવા માટે ખાણમાં વપરાતા વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું આ બનાવ ચિંતા ઉપજાવનાર છે. તેમણે ડીજીપી ઉમેશ મિશ્રાને આ બનાવની સઘન તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા.

એનઆઇએ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી
બનાવ સ્થળે એટીએસની તપાસ ટીમ ઉપરાંત ઈઆરટી-ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઈઆરટી), રેલવે પોલીસ, જિલ્લા પોલીસના જવાન હાજર છે. તપાસ ટીમ ગ્રામવાસીઓથી બનાવ અંગે પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારી અનિલ કુમાર બિશ્નોઈએ કહ્યું હતું કે અમને રેલવે ટ્રેક પર થોડી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો જેની તપાસ ચાલી રહી છે. આ કાવતરા માટે જે જવાબદાર છે તેમની ઓળખ કરી પકડવાના પ્રયાસ શરૂ કરાયા છે. એનઆઇએની ટુકડી પણ સ્થળ પર પહોંચી હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાન પોલીસે એફઆઈઆરમાં બોમ્બ બ્લાસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો
રાજસ્થાન પોલીસે એફઆઈઆરમાં બોમ્બ બ્લાસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે આ બ્લાસ્ટનો હેતુ લોકોમાં ભય ફેલાવીને દેશની સુરક્ષાને જોખમમાં નાખવાનો હતો. આ કેસમાં રાજસ્થાન પોલીસે UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કાયદાની કલમ 16 (આતંકવાદી કૃત્ય માટે સજા) અને કલમ 18 (આતંકવાદી કૃત્ય કરવા અથવા ઇરાદો) હેઠળ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આઈપીસીની કલમ 150, 151 અને 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બ્લાસ્ટ માટે સુપર પાવર 90 ડિટોનેટરનો ઉપયોગ કરાયો હતો
આ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પોલીસને મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ બ્લાસ્ટને અંજામ આપવા માટે સુપર પાવર 90 ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક ખતરનાક વિસ્ફોટક છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ નોઈડામાં 28 ઓગસ્ટે સુપરટેક કંપનીના ટ્વીન ટાવર્સને તોડવા માટે કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલો જ હોવાનું પોલીસ માની રહી છે.

Most Popular

To Top