ઉબટનથી નિખારો ત્વચા

ત્વચાને કોમળ, મુલાયમ અને ચમકતી બનાવવા માટે માર્કેટમાં જાત જાતનાં ક્રીમ, ફેસ પેક મળે છે પરંતુ પ્રાચીન કાળથી સૌંદર્યના નિખાર માટે મહિલાઓ ઉબટનનો ઉપયોગ કરે છે. ઉબટન આયુર્વેદિક જુડીબુટ્ટીઓનો ખજાનો છે. ઉબટનની સૌથી ખાસ વાત એ છે કે એમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે એ મોટા ભાગની આપણા રસોડામાંથી જ મળી રહે છે અને એની કોઇ સાઇડ ઇફેકટ પણ થતી નથી કારણ કે એ કેમિકલ ફ્રી હોય છે.
મહિલાઓએ દરરોજ ઉબટનનો ઉપયોગ કરવો જોઇએ કારણ કે ઉબટનથી જે કાયમી સુંદરતા અને ત્વચાને પોષણ મળે છે એ કોઇ ક્રીમ, લોશનથી મળતાં નથી. બ્યૂટીપાર્લરના જમાનામાં પણ ઉબટન લગાડવાની જૂની પરંપરા હજુ ચાલુ છે કારણ કે એ તમારી ત્વચાને કુદરતી રીતે નિખારે છે અને વધતી ઉંમરને છુપાવે છે.
ઉબટન શબ્દ સાંભળતાં જ આપણને લગ્નની રસમ અને વિધિઓ યાદ આવે છે ખરું ને? આ એજ ઓલ્ડ ફેસ માસ્ક દુલ્હા – દુલ્હનને લગાડવામાં આવતા હતા જેથી એમનું સૌંદર્ય નિખરે. લગ્નમાં પીઠી ચોળવાનો રિવાજ એટલે જ હશે. એ માત્ર દુલ્હન માટે જ નથી પરંતુ કુદરતી રીતે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઇચ્છનાર દરેક ઉબટનનો ઉપયોગ કરી શકે છે.

હળદર ઉબટન કેવી રીતે બનાવશો?
ઓઇલી સ્કિન
એક ટેબલસ્પૂન હળદર, એક ટેબલસ્પૂન બેસન અને એક ટેબલસ્પૂન દહીં મિકસ કરી પેસ્ટ બનાવો. ચહેરા, ગરદન, હાથ પર લગાડી ૧૦-૧૫ મિનિટ બાદ સુકાઇ જાય એટલે ઘસીને સાફ કરી પાણીથી સાફ કરી લો.
ડ્રાય સ્કિન
એક ટેબલસ્પૂન હળદરમાં ગુલાબજળ મિકસ કરી પેસ્ટ બનાવો. એમાં પાંચ ટીપાં ઓલિવ ઓઇલ નાખી ચહેરા પર લગાડો. ૧૦-૧૫ મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાખો.સંવેદનશીલ ત્વચા
એક ટેબલસ્પૂન હળદરમાં પાકું કેળું છૂંદી મિકસ કરી પાતળી પેસ્ટ બનાવો. એને ચહેરા તથા શરીર પર ધીરે ધીરે ઘસો. ૧૦-૧૫ મિનિટ બાદ ધોઇ નાખો.
આ ત્રણે ઉબટન અઠવાડિયે બે વાર લગાડી શકાય.
લાભ
હળદરમાં એન્ટી ઓકિસડન્ટ, એન્ટી બેકટેરિયા અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચા સંબંધિત રોગોથી બચાવે છે. આ ઉપરાંત હળદરમાં પ્રોટિન, વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો હોય છે જે ઉબટન દ્વારા શરીરની અંદર જાય છે અને રોગ પ્રતિકારકશકિત વધારે છે. વધતી ઉંમર અટકાવવાનું કામ પણ હળદર કરે છે.

સરસવ ઉબટન
ત્વચાને સોના જેવી ચમકતી બનાવવા માટે સરસવનું ઉબટન લગાડો. પીળી રાઇના નાના દાણામાંથી બનેલાં ઉબટનની અસર જલદી તથા લાંબા સમય સુધી રહે છે. એ મૃત ત્વચાને કાઢે છે. આ ઉબટન સહેલાઇથી બનાવી શકાય છે. એક કપ પીળી રાઇને વાટી લો. પેસ્ટ બનાવવા તેમાં થોડું ગુલાબજળ કે પાણી નાખો. આ પેસ્ટમાં એક ટેબલસ્પૂન તાજું દહીં નાખી ચહેરા, હાથ તથા શરીર પર લગાડી ઘસો. થોડી જ વારમાં ઉબટનના પીળા રંગમાં ફેર પડશે અને તમે ઘસી ઘસીને ઉબટન કાઢશો ત્યારે એકદમ કાળું થઇ જશે. તમારી ત્વચામાં તરત જ નિખાર આવી જાય છે. સરસવના ઉબટનને થોડું ગરમ માનવામાં આવે છે કારણ કે રાઇની તાસીર ગરમ હોય છે એટલે ત્વચા પર તરત અસર બતાવે છે. એનો ઉપયોગ ઓઇલી અને ડ્રાય સ્કિનવાળા અઠવાડિયે બે વાર અને સેન્સિટીવ ત્વચાવાળા એક વાર કરી શકે છે.
લાભ
સરસવમાં રહેલા વિટામિન તથા એન્ટી બેકટેરિયલ પદાર્થ આપણી ત્વચાને હાઇડ્રેટ કરે છે. ત્વચાને નુકસાનકર્તા યુ.વી. કિરણોથી અને એક રક્ષાકવચ બનાવી ફ્રી રેડિકલ્સથી બચાવે છે. સ્કિનના પોર્સમાંથી ગંદકી બહાર કાઢી છિદ્રોને ખુલ્લાં કરે છે. જેથી ત્વચા શ્વાસ લઇ શકે અને ચમકદાર બને. ખીલ અને બ્લેકહેડ્‌સ દૂર કરવામાં પણ આ ઉબટન મદદ કરે છે અને ત્વચાને તાજગી આપે છે.

બેસન ઉબટન
બેસનનું ઉબટન મૃત ત્વચાને કાઢે છે અને કરચલી પણ દૂર કરે છે. એક કપ બેસન, એક ટી સ્પૂન હળદર, એક ટેબલસ્પૂન દહીં, એક ટેબલસ્પૂન સરસવનું તેલ, ૧/૨ ટીસ્પૂન મીઠું, પાણી કે ગુલાબજળ નાખી મિકસ કરો. ૧૫-૨૦ મિનિટ ચહેરા અને શરીર પર લગાડી સુકાઇ જાય એટલે કાચા દૂધ કે પાણીથી કાઢી લો. સપ્તાહમાં ત્રણ વાર આ પ્રયોગ કરો.
લાભ
બેસનમાં વિટામિન B, B2, B9 પ્રચુર માત્રામાં હોય છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર હોય છે. જે ત્વચાને પોષણ આપે છે અને ત્વચા નિખારે છે એમાં રહેલું ફોલિક એસિડ ખીલ, ડાઘ-ધબ્બા દૂર કરે છે.

ચંદન ઉબટન
શુદ્ધ ચંદન – સુખડમાંથી બનાવેલું ઉબટન ત્વચાને સોફટ અને ગ્લોઇંગ બનાવે છે. એ ત્વચા સંબંધી બીમારીઓ દૂર કરે છે. એક ટેબલસ્પૂન સુખડનો પાઉડર, એક ટેબલસ્પૂન દૂધ, એક ટેબલસ્પૂન ગુલાબજળ કે કેવડાનું પાણી મિકસ કરો. તેમાં તાજાં ગુલાબની પાંખડીઓ વાટી નાખી મિકસ કરો. આ પેસ્ટ ચહેરા, ગરદન અને શરીર પર લગાડો. સુકાઇ જાય એટલે દહીં કે પાણીથી સાફ કરી સ્નાન કરી લો.
લાભ
ચંદન એક કુદરતી ઔષધિ છે. સુખદ ત્વચાના ડાઘ – ધબ્બા, ખીલ તથા ડાર્ક સર્કલ્સ દૂર કરે છે.

કેસર ઉબટન
કેસર બહુ મોંઘું હોય છે અને માર્કેટમાં નકલી કેસર પણ મળે છે એટલે કેસર ઉબટન બનાવવું સહેલું નથી. કેસર ચહેરા પર અલગ જ આભા પ્રદાન કરે છે. ૮-૧૦ તાંતણા કેસરમાં, તાજા લાલ ગુલાબની પાંખડી વાટી તેનો રસ મિકસ કરો. તેમાં એક ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ તથા થોડું ગુલાબજળ મિકસ કરો. આ પેસ્ટ ચહેરા તથા ગરદન પર લગાડી ૧૦-૨૦ મિનિટ રહેવા દો. સુકાઇ જાય એટલે દૂધથી માલિશ કરી કાઢી નાખો.
લાભ
કેસરમાં રહેલાં વિટામિન C, A તથા મેંગેનિઝ, આયર્ન ત્વચાનો વાન નિખારે છે.

Most Popular

To Top