સિલ્હટ: એશિયા કપમાં (Asia Cup) ભારતીય ટીમે આજે મંગળવારે અહીં યુએઇને (UAE) હરાવીને એશિયા કપમાં જીતની હેટ્રીક કરી હતી. જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ અર્ધસદીઓ ફટકારતા ભારતીય ટીમે 5 વિકેટે 178 રન (Run) બનાવ્યા હતા, જેની સામે યુએઇની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે માત્ર 74 રન સુધી જ પહોંચતા ભારતીય ટીમે આ મેચ 104 રને જીતી હતી. જેમિમાની એશિયા કપમાં આ સતત બીજી અર્ધસદી હતી.
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યા પછી માત્ર 19 રનના સ્કોરે સ્મૃતિ મંધાના, એસ મેઘના અને શેફાલી વર્માના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી દીધા પછી જેમિમા અને દીપ્તિએ ચોથી વિકેટની 129 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર પર મુકી હતી. આ બંને આઉટ થયા પછી પૂજા વસ્ત્રાકર અને કિરણ નવગિરેએ ફટકાબાજી કરીને સ્કોર 178 રન પર પહોંચાડ્યો હતો. યુએઇની ટીમમાં પણ 11 ખેલાડી ભારતીય મૂળની જ હતી, તેઓ માંડ 74 રન સુધી પહોંચી શક્યા હતા.
ભારતીય મહિલા ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને
એશિયા કપમાં યુએઇની મહિલા ટીમ સામેની જીત ભારતીય મહિલા ટીમની સતત ત્રીજી જીત રહી હતી અને ભારતે હજુ સુધ એક પણ મેચ હારી નથી. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. બીજા સ્થાને 4 પોઇન્ટ સાથે પાકિસ્તાનની ટીમ છે, જેણે બે મેચ રમીને બંનેમાં જીત મેળવી છે.
7મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ભારતીય મહિલા ટીમ એશિયા કપમાં પોતાની ચોથી મેચ 7મી ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની કોઇપણ મેચની ચાહકો આતુરતાથી રાહ જુએ છે. ભારતીય ટીમના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા પાકિસ્તાન સામેની મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. આ મેચ પણ સિલ્હટ ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાવાની સંભાવના છે.