સાઉદી અરેબિયા (Saudi Arabia) પાકિસ્તાનમાં 8 હજાર કરોડનું રોકાણ (Investment) કરશે. ક્રાઉન પ્રિન્સ (Crown Prince) મુહમ્મદ બિન સલમાન પાકિસ્તાનને ગરીબી અને આતંક છતાં મદદ કરવા તૈયાર છે જેના પાછળ મહત્વનું કારણ છે. સાઉદી અરેબિયા ટૂંક સમયમાં પાકિસ્તાનમાં તાંબા અને સોનાની ખાણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં 8.34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઈદ તાજેતરમાં જ પાકિસ્તાનની 2 દિવસની મુલાકાતે ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન બંને દેશો વચ્ચે ડીલ પર ચર્ચા થઈ હતી. શુક્રવારે પાક આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાઉદીના સહાયક સંરક્ષણ પ્રધાન મેજર જનરલ અબ્દુલ્લા અલ-ઓતાઈબીને પણ મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉત્પાદન અને સૈન્ય તાલીમ પર પણ ચર્ચા થઈ હતી.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર સાઉદી અરેબિયા ગયા હતા. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમને ઈફ્તાર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. આર્થિક સંકટ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે સાઉદી હંમેશા પાકિસ્તાનની પડખે ઉભું રહ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં સાઉદીએ પાકિસ્તાનને 2 અબજ ડોલરની લોન આપી હતી. 2020 સુધી પાકિસ્તાનને લોન આપનારા દેશોમાં સાઉદી પ્રથમ નંબરે હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે શા માટે સાઉદી પાકિસ્તાનની નબળી આર્થિક અને આતંકની સ્થિતિ છતાં મદદ કરી રહ્યું છે.
બીબીસીના અહેવાલ મુજબ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન 32 વિદેશ પ્રવાસો કર્યા હતા. જેમાંથી 8 વિદેશ યાત્રાઓ સાઉદી અરેબિયાની હતી. 2021માં ઈમરાન સરકારના પતન બાદ વડાપ્રધાન બનેલા શાહબાઝ શરીફ પણ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાનો માટે તેમના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી અરેબિયાની મુલાકાત લેવી સામાન્ય બાબત છે. તેનું મુખ્ય કારણ પાકિસ્તાનને સાઉદી પાસેથી મળતું નાણું છે. સાઉદી અરેબિયા તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આવી સ્થિતિમાં તે વેપાર માટે નવા ભાગીદારોની શોધમાં છે. ભારત પણ તેમાંથી એક છે. જો કે તે પાકિસ્તાનને વધારે નારાજ કરી શકે તેમ નથી. તેનું મુખ્ય કારણ ઈરાન છે.
1979 માં ઇસ્લામિક ક્રાંતિ પછી શિયા ધાર્મિક નેતાઓ ઇરાનમાં સત્તા પર આવ્યા. કારણ કે ઈરાન શિયા પ્રભુત્વ ધરાવતો દેશ છે. સાઉદી અરેબિયા આ ક્રાંતિથી ખૂબ ડરી ગયો હતો. તેનો સામનો કરવા માટે સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને ભારત સહિત સુન્ની મુસ્લિમ દેશોને પૈસા મોકલવાનું શરૂ કર્યું. આનાથી વિશ્વભરના દેશોમાં વહાબી ઇસ્લામ મજબૂત થયો અને સમગ્ર પ્રદેશમાં સૂફી ઇસ્લામની હાજરીમાં ઘટાડો થયો. ઈરાન અને સાઉદી વચ્ચે મધ્ય પૂર્વમાં વર્ચસ્વ માટે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. આ માટે સાઉદી પાકિસ્તાનને પોતાની છાવણીમાં રાખવા માંગે છે.
પાકિસ્તાનના આર્થિક મામલાના વિશ્લેષક ખુર્રમ હુસૈને કહ્યું કે સાઉદી અરેબિયાએ આ માત્ર પાકિસ્તાન સાથે જ કર્યું નથી, પરંતુ તેમણે સાઉદી પાસેથી મદદ મેળવતા તમામ દેશોને સૂચના આપી છે કે જો તમને ભવિષ્યમાં કોઈ જરૂર હોય તો સહાયને બદલે રોકાણ પ્રોજેક્ટ તૈયાર કરો. ખુર્રમના કહેવા પ્રમાણે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઇજિપ્તને પણ સાઉદી અરેબિયા પાસેથી ઘણી મદદ મળતી હતી અને સાઉદી અરેબિયાએ થોડા સમય પહેલા તેની મદદના બદલામાં પોતાની રોકાણ નીતિ સ્પષ્ટ કરી દીધી હતી. બીજી તરફ પાકિસ્તાનના બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટના ભૂતપૂર્વ વડા હારૂન શરીફનું કહેવું છે કે સાઉદી અરેબિયાની આ નવી નીતિ હેઠળ પાકિસ્તાને થોડા સમય પહેલા સાઉદી અરેબિયાને દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં રોકાણ કરવું જોઈએ. આ પછી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.