Editorial

અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ગર્ભપાત અંગેની ચર્ચાઓ ફરીથી ઉગ્ર બનશે

અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપતું લગભગ પ૦ વર્ષ જુનું રક્ષણ દૂર કર્યું છે અને અમેરિકી રાજ્યોને એ બાબતનો અધિકાર આપ્યો છે કે તેઓ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અમેરિકામાં ખળભળાટ મચી ગયો. ગર્ભપાતના વિરોધીઓ એવા મોટે ભાગે રૂઢિચુસ્ત સમુદાયના લોકો આ આદેશથી ગેલમાં આવી ગયા તો બીજી બાજુ અનિચ્છનીય ગર્ભ પડાવી નાખવાને મહિલાઓનો અધિકાર માનતા એવા ગર્ભપાતના તરફદારોમાં સખત નારાજગી અને નિરાશા ફરી વળી. મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર હોવો જોઇએ કે નહીં? અને કેટલી હદે હોવો જોઇએ વગેરે બાબતો અમેરિકામાં લાંબા સમયથી ચર્ચાતી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ત્યાં મહિલાઓ અનિચ્છનીય ગર્ભ પડાવી નાખવા બાબતે આઝાદી ભોગવતી હતી, હવે તેમને કાનૂની અવરોધોનો સામનો કરવો પડશે.

વર્ષ ૧૯૭૩નાા ઐતિહાસિક રો એન્ડ વેડ કેસમાં આપવામાં આવેલો ચુકાદો અમેરિકી સુપ્રીમ કોર્ટે ઉલટાવ્યો છે જે ચુકાદામાં ગર્ભપાત કરાવવાને મહિલાઓનો બંધારણીય અધિકાર ગણાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો હાલનો ચુકાદો ગર્ભપાતના વિરોધીઓના દાયકાઓના પ્રયાસનું પરિણામ માનવામાં આવે છે. ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિમવામાં આવેલા ત્રણ જજોને કારણે આ ચુકાદો શક્ય બન્યો હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની બેન્ચે આ ચુકાદો સર્વસંમતિથી નહીં પણ બહુમતિથી આપ્યો છે અને આ ચુકાદાથી વિપરીત અભિપ્રાય ધરાવનાર જજોએ કહ્યુ હતું કે દુ:ખ સાથે કહેવું પડે છે કે લાખો અમેરિકન મહિલાઓ ગર્ભપાત કરાવવાનો તેમનો બંધારણીય અધિકાર ગુમાવશે.

એ ખાસ નોંધપાત્ર છે કે રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ ગર્ભપાતને મોટું પાપ માને છે અને અતિ કટ્ટરવાદી ખ્રિસ્તીઓ તો સ્ત્રીના જીવને જોખમ હોય તો પણ અમુક સપ્તાહ પછીનો ગર્ભ પડાવવાનો વિરોધ કરે છે. જો કે સ્વચ્છંદી મહિલાઓ લગ્ન બાહ્ય સંબંધો બાંધે કે પોતાના પુરુષ મિત્ર સાથે કોઇ કાળજી વિના જાતીય સંબંધો બાંધે અને તેમાંથી વિકસેલા ગર્ભને પડાવી નાખવાને પોતાનો અધિકાર માને તેની સામે સામાન્ય લોકોમાં પણ નારાજગી જોવા મળે છે. બળાત્કાર જેવી ઘટનામાંથી વિકસેલા ગર્ભ કે મહિલાના જીવન કે આરોગ્ય સામે જોખમી ગર્ભને પડાવી નાખવા માટેની છૂટની તરફેણ કરવાનું પ્રમાણ વ્યાપક છે.

હવે રાજયો કયા પ્રકારના કાયદા ઘડે છે અને કયા પ્રકારના ગર્ભને પડાવી નાખવાની છૂટ આપે છે તે જોવાનું રહે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અમેરિકાના અડધો અડધ જેટલા રાજ્યમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકાઇ જાય તેવો ભય છે. કેટલાક રાજ્યોએ તો આ પ્રતિબંધ મૂકવા માટેના કાયદાના મુસદ્દા તૈયાર જ રાખ્યા હોવાનું જાણવા મળે છે. અનેક રાજ્યોમાં કાયદાઓ તૈયાર છે પણ તે અમલમાં મૂકી શકાતા ન હતા. આજની તારીખે પણ દસ ટકા જેટલા અમેરિકનો માને છે કે કોઇ પણ સંજોગોમાં ગર્ભપાત કરાવવો જોઇએ નહીં. તેઓ ગેલમાં આવી જશે અને રાજ્યોના કાયદાઓને વધુ કડક બનાવવાની પણ માગ કદાચ કરશે. બીજી બાજુ, ગર્ભપાતને મહિલાનો સ્વાભાવિક અધિકાર માનતા લોકો ગર્ભપાત વિરોધી કાયદાઓ સામે પોતાનો અવાજ બુલંદ બનાવશે. લાગે છે કે આગામી દિવસોમાં ગર્ભપાત પર પ્રતિબંધ અંગે અમેરિકામાં ઉગ્ર ચર્ચાઓ શરૂ થશે.

Most Popular

To Top