કોલોરાડો : અમેરિકાના કોલોરાડોમાં ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બોલ્ડરના સુપરમાર્કેટમાં બની છે. તાજેતરની માહિતી મુજબ, શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. હાલમાં જે ઈજાગ્રસ્ત છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. પોલીસ હજી તપાસ કરી રહી છે કે આ શૂટઆઉટ પાછળનો હેતુ શું હતો.
બોલ્ડર પોલીસ વિભાગના કમાન્ડર કેરી યમાગુચિએ પત્રકારોને જણાવ્યું હતું કે અધિકારીઓએ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તેઓને ખબર નથી કે ગોળીબારમાં કેટલા લોકોના મોત થયા છે. બોલ્ડર કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની માઇકલ ડોગાર્ટીએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા પછીથી જાહેર કરવામાં આવશે.
બોલ્ડર પોલીસ વિભાગે ટ્વીટ કર્યું, ‘અમારી પાસે ઘણા પીડિતો છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પીડિતોમાંથી એક બોલ્ડર પોલીસ અધિકારી છે. મીડિયાને પરિવારોની ગોપનીયતાને માન આપવાનું કહેવામાં આવ્યું છે. તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી પરિવારોને જાણ ન થાય ત્યાં સુધી પીડિતો વિશે કોઈ સંખ્યા જાહેર કરવામાં આવશે નહીં.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેક સાકીએ જણાવ્યું હતું કે બોલ્ડર સુપરમાર્કેટની ઘટના અંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડેનને જાણ કરવામાં આવી છે અને અધિકારીઓ તેમને તાત્કાલિક સમાચાર આપી રહ્યા છે. મહત્વની વાત છે કે ગયા અઠવાડિયે જ્યોર્જિયાના એટલાન્ટામાં મસાજ પાર્લરમાં એક બંદૂકધારીએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.