અખાતી દેશો તરીકે ઓળખાતા સાત આરબ દેશોના સમૂહ પૈકીનો એક સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.) આજકાલ જુદા કારણસર સમાચારમાં છે. ઈસ્લામ રાજધર્મ તરીકે સ્વીકૃત છે એવા આ દેશમાં સામુહિક રજા દર શુક્રવારે હોય છે. ઈસુના નવા વરસથી હવે અહીં કેવળ સાડા ચાર દિવસનું સપ્તાહ અમલી બનશે. એટલે કે સાત દિવસના સપ્તાહમાંથી કામકાજના દિવસો માત્ર સાડા ચાર હશે અને બાકીના અઢી દિવસ સપ્તાહાંત ગણાશે. એ મુજબ સોમથી ગુરુવાર દરમિયાન કામના કલાકો સવારના ૭.૩૦ થી બપોરના ૩.૩૦ સુધીના રહેશે. અગાઉ શુક્રવારે રજા આપવામાં આવતી હતી તેને બદલે શુક્રવારે સવારે ૭.૩૦ થી બપોરના ૧૨ સુધી કામના કલાકો રહેશે.
પાંચ દિવસીય સપ્તાહ વૈશ્વિક ધોરણે મહદંશે સ્વીકારાયેલી કાર્યપ્રણાલિ છે. અલબત્ત, જગતની પ્રાચીનતમ પ્રણાલિ સાત દિવસીય સપ્તાહની છે, જેમાં દર રવિવાર રજાનો દિવસ ગણાતો. વીસમી સદીના આરંભથી પાંચ દિવસીય સપ્તાહ અમલી બનવા લાગ્યું, જે ધીમે ધીમે સર્વસ્વીકૃત બનતું રહ્યું. સતત વધતા જતા ઔદ્યોગિકીકરણને પગલે ઊભી થયેલી ચોવીસ કલાક સતત ચાલતી પાળીની કાર્યપ્રણાલિએ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું. વિપરીત શારીરિક અને માનસિક પરિસ્થિતિનો ભોગ અનેક કામદારો બનતા રહ્યા. ઔદ્યોગિકીકરણ અને ઉત્પાદકતાનું એ અનિવાર્ય અનિષ્ટ હતું.
૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષમાં કોવિડની મહામારી વિશ્વભરમાં છવાયેલી રહી. તેને પગલે ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘેર રહીને કામ કરવાની પ્રણાલિ સ્વીકૃત બની. વિચારવામાં સારી લાગે એવી આ પદ્ધતિના ઘણા ગેરલાભ જોવા મળ્યા. ઘેર હોવા છતાં કામને લઈને ઊભી થતી તાણ, તેને પગલે ડહોળાતું કૌટુંબિક વાતાવરણ, ઑનલાઈન મિટીંગમાં ફરજિયાત ઉપસ્થિતિ વગેરે પરિબળોને કારણે બહુ ઝડપથી તેનું આકર્ષણ ઓસરવા લાગ્યું, પણ કોવિડને કારણે તેના સિવાય છૂટકો ન હતો.
યુ.એ.ઈ. સાડા ચાર દિવસનું સપ્તાહ ઘોષિત કરનાર કદાચ વિશ્વનો સૌ પ્રથમ દેશ હશે. બે મુખ્ય હેતુ પાર પાડવાની તેની નેમ છે. એક તો શનિ-રવિનો સપ્તાહાંત હોય એવા દેશોની કાર્યપ્રણાલિની હરોળમાં તે આવી શકે અને બીજા સૌથી અગત્યનો હેતુ કામદારોની ઉત્પાદકતા વધારવાનો તેમજ કાર્ય- જીવન વચ્ચેના સંતુલનને બહેતર બનાવવાનો છે.
ઈન્ગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં કોવિડની મહામારી દરમિયાન ૨૦૨૧ માં ‘ધ ગ્રેટ રેઝિગ્નેશન’ અથવા ‘ધ બીગ ક્વીટ’ તરીકે ઓળખાવાયેલી ઘટનાએ આકાર લીધો. કહેવાય છે કે આ દેશની સરકારે કોવિડની મહામારીમાં કામદારોને રક્ષણ પૂરું પાડવાનો ઈનકાર કર્યો. વધતી જતી કિંમતોની સામે વેતનમાં વૃદ્ધિ કરવામાં ન આવી. તેને પરિણામે અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રાજીનામાં મૂક્યાં અને નોકરીનો ત્યાગ કર્યો. આનો અર્થ એવો હરગીઝ નહોતો કે કોવિડ પહેલાંના સમયગાળામાં કામદારોને માનસિક તાણ નહોતી. વ્યક્તિગત જીવન અને કામના કલાકો વચ્ચે સંતુલન જાળવવાનું અતિ મુશ્કેલ જણાઈ રહ્યું હતું અને એવામાં કોવિડ ત્રાટક્યો.
આવા વાતાવરણમાં યુ.એ.ઈ. સરકારનું આ પગલું આવકારદાયક અવશ્ય કહી શકાય. જો કે, એ કેવાં પરિણામ લાવે છે એ સમય કહેશે. અગાઉ આઈસલેન્ડમાં ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન ચાર દિવસનું કાર્યસપ્તાહ કરવાનો અખતરો સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. તેમાં જણાયું હતું કે આરામના સુનિશ્ચિત કલાકો કામદારોની ઉત્પાદકતામાં વધારો કરે છે અને એ દરમિયાન તેઓ તાજામાજા થઈ જતા હોવાથી બહેતર રીતે કામ કરી શકે છે. એવી પણ એક ગણતરી છે કે આરામના વધુ દિવસોનો અર્થ છે પ્રવાસન, રમતગમત, મનોરંજન તેમજ આ પ્રકારનાં અન્ય ક્ષેત્રનો વધુ વિકાસ.
પરિવર્તક નિર્ણયની યુ.એ.ઈ.માં જાણે કે મોસમ હોય એવો માહોલ છે. આવો બીજો નિર્ણય છે ફિલ્મો પરની સેન્સરશીપને ખતમ કરવાનો નિર્ણય. હવેથી ૨૧† ની નવી શ્રેણી દાખલ કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં દેખાડવામાં આવતાં ‘વાંધાજનક’ દૃશ્યો એમનાં એમ રાખવામાં આવશે. મુસ્લિમ પર્સનલ કાનૂનમાં પણ આ દેશ છૂટછાટ મૂકી રહ્યો છે. અગાઉ ૨૦૧૯ માં યુ.એ.ઈ.એ ઈઝરાયલ સાથે શાંતિકરાર કરીને તેની સાથેના સંબંધોને સામાન્ય કર્યા. ભારતીય મૂળના પુષ્કળ લોકો યુ.એ.ઈ.માં વસે છે અને કામ કરે છે. વિદેશીઓને આકર્ષવા માટે યુ.એ.ઈ.એ ‘ગોલ્ડન વીઝા’ તરીકે ઓળખાતા લાંબા ગાળાના નિવાસી વીઝાની પ્રણાલિને અમલી બનાવી છે. એ મુજબ આ વીઝાધારકો કોઈ પણ જાતના સ્પોન્સર વિના યુ.એ.ઈ.માં રહી શકે, કામ કરી શકે યા અભ્યાસ કરી શકે છે, તેમજ પોતાના વ્યવસાય પર સુવાંગ માલિકી ધરાવી શકે છે.
તેલ પર નિર્ભર પોતાના દેશની અર્થવ્યવસ્થાને ધીમે ધીમે અન્ય ક્ષેત્રે વાળીને વ્યક્તિગત તેમજ વિદેશી રોકાણોને આકર્ષવા માટે આ ફેરફાર થઈ રહ્યા છે. આ પગલાં આવકારદાયક કહી શકાય. ખાસ કરીને યુ.એ.ઈ. જેવો મુસ્લિમ ધર્મકેન્દ્રી દેશ ધીમે ધીમે ઉદારમતવાદી વિચારધારા તરફ ઝુકાવ વધારે એ એવા અન્ય દેશો માટે પણ ઉદાહરણરૂપ બની શકે એવી શક્યતાને અવગણી શકાય નહીં. આ અગાઉ, અખાતી દેશના સમૂહ પૈકીના એક એવા સાઉદી અરેબિયાએ ફિલ્મો પરનો પ્રતિબંધ ૨૦૧૮ માં ઉઠાવી લીધો હતો. ૧૯૮૩ થી ૨૦૧૮ ના સાડા ત્રણ દાયકાના સમયગાળા દરમિયાન અહીં ફિલ્મ સાવ પ્રતિબંધિત હતી. પ્રતિબંધ ઉઠાવાયા પછી હવે ફિલ્મ ફેસ્ટીવલ યોજાઈ રહ્યા છે.
સરકાર કદાચ પોતાના કોઈ સ્વાર્થને લઈને પણ ઉદારમત તરફ ઝુકાવ વધારી રહી હોય તો એ ખોટું નથી, કેમ કે, ઉદારમતવાદથી સરવાળે નાગરિકોને જ લાભ થવાનો છે. ધાર્મિક રૂઢિચુસ્તતા અને કટ્ટરતા માટે વગોવાયેલા એવા મુસ્લિમ ધર્મને રાજ્યધર્મ તરીકે સ્વીકારેલા આ દેશો એક યા બીજા કારણસર ધાર્મિક બંધનોને શિથિલ કરે અને ઉદારમતવાદી વલણ અપનાવતા થાય એ આવકારદાયક ઘટના કહી શકાય. બીજી તરફ આપણા દેશમાં જ, ઉદારમતવાદ માટે જાણીતા એવા હિન્દુક ધર્મમાં રાજકીય એજન્ડા હેઠળ કટ્ટરતાવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે એ પણ કેવી વક્રતા! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અખાતી દેશો તરીકે ઓળખાતા સાત આરબ દેશોના સમૂહ પૈકીનો એક સંયુક્ત આરબ અમીરાત (યુ.એ.ઈ.) આજકાલ જુદા કારણસર સમાચારમાં છે. ઈસ્લામ રાજધર્મ તરીકે સ્વીકૃત છે એવા આ દેશમાં સામુહિક રજા દર શુક્રવારે હોય છે. ઈસુના નવા વરસથી હવે અહીં કેવળ સાડા ચાર દિવસનું સપ્તાહ અમલી બનશે. એટલે કે સાત દિવસના સપ્તાહમાંથી કામકાજના દિવસો માત્ર સાડા ચાર હશે અને બાકીના અઢી દિવસ સપ્તાહાંત ગણાશે. એ મુજબ સોમથી ગુરુવાર દરમિયાન કામના કલાકો સવારના ૭.૩૦ થી બપોરના ૩.૩૦ સુધીના રહેશે. અગાઉ શુક્રવારે રજા આપવામાં આવતી હતી તેને બદલે શુક્રવારે સવારે ૭.૩૦ થી બપોરના ૧૨ સુધી કામના કલાકો રહેશે.
પાંચ દિવસીય સપ્તાહ વૈશ્વિક ધોરણે મહદંશે સ્વીકારાયેલી કાર્યપ્રણાલિ છે. અલબત્ત, જગતની પ્રાચીનતમ પ્રણાલિ સાત દિવસીય સપ્તાહની છે, જેમાં દર રવિવાર રજાનો દિવસ ગણાતો. વીસમી સદીના આરંભથી પાંચ દિવસીય સપ્તાહ અમલી બનવા લાગ્યું, જે ધીમે ધીમે સર્વસ્વીકૃત બનતું રહ્યું. સતત વધતા જતા ઔદ્યોગિકીકરણને પગલે ઊભી થયેલી ચોવીસ કલાક સતત ચાલતી પાળીની કાર્યપ્રણાલિએ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું. વિપરીત શારીરિક અને માનસિક પરિસ્થિતિનો ભોગ અનેક કામદારો બનતા રહ્યા. ઔદ્યોગિકીકરણ અને ઉત્પાદકતાનું એ અનિવાર્ય અનિષ્ટ હતું.
૨૦૨૦ અને ૨૦૨૧ ના વર્ષમાં કોવિડની મહામારી વિશ્વભરમાં છવાયેલી રહી. તેને પગલે ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ઘેર રહીને કામ કરવાની પ્રણાલિ સ્વીકૃત બની. વિચારવામાં સારી લાગે એવી આ પદ્ધતિના ઘણા ગેરલાભ જોવા મળ્યા. ઘેર હોવા છતાં કામને લઈને ઊભી થતી તાણ, તેને પગલે ડહોળાતું કૌટુંબિક વાતાવરણ, ઑનલાઈન મિટીંગમાં ફરજિયાત ઉપસ્થિતિ વગેરે પરિબળોને કારણે બહુ ઝડપથી તેનું આકર્ષણ ઓસરવા લાગ્યું, પણ કોવિડને કારણે તેના સિવાય છૂટકો ન હતો.
યુ.એ.ઈ. સાડા ચાર દિવસનું સપ્તાહ ઘોષિત કરનાર કદાચ વિશ્વનો સૌ પ્રથમ દેશ હશે. બે મુખ્ય હેતુ પાર પાડવાની તેની નેમ છે. એક તો શનિ-રવિનો સપ્તાહાંત હોય એવા દેશોની કાર્યપ્રણાલિની હરોળમાં તે આવી શકે અને બીજા સૌથી અગત્યનો હેતુ કામદારોની ઉત્પાદકતા વધારવાનો તેમજ કાર્ય- જીવન વચ્ચેના સંતુલનને બહેતર બનાવવાનો છે.
ઈન્ગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં કોવિડની મહામારી દરમિયાન ૨૦૨૧ માં ‘ધ ગ્રેટ રેઝિગ્નેશન’ અથવા ‘ધ બીગ ક્વીટ’ તરીકે ઓળખાવાયેલી ઘટનાએ આકાર લીધો. કહેવાય છે કે આ દેશની સરકારે કોવિડની મહામારીમાં કામદારોને રક્ષણ પૂરું પાડવાનો ઈનકાર કર્યો. વધતી જતી કિંમતોની સામે વેતનમાં વૃદ્ધિ કરવામાં ન આવી. તેને પરિણામે અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રાજીનામાં મૂક્યાં અને નોકરીનો ત્યાગ કર્યો. આનો અર્થ એવો હરગીઝ નહોતો કે કોવિડ પહેલાંના સમયગાળામાં કામદારોને માનસિક તાણ નહોતી. વ્યક્તિગત જીવન અને કામના કલાકો વચ્ચે સંતુલન જાળવવાનું અતિ મુશ્કેલ જણાઈ રહ્યું હતું અને એવામાં કોવિડ ત્રાટક્યો.
આવા વાતાવરણમાં યુ.એ.ઈ. સરકારનું આ પગલું આવકારદાયક અવશ્ય કહી શકાય. જો કે, એ કેવાં પરિણામ લાવે છે એ સમય કહેશે. અગાઉ આઈસલેન્ડમાં ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન ચાર દિવસનું કાર્યસપ્તાહ કરવાનો અખતરો સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. તેમાં જણાયું હતું કે આરામના સુનિશ્ચિત કલાકો કામદારોની ઉત્પાદકતામાં વધારો કરે છે અને એ દરમિયાન તેઓ તાજામાજા થઈ જતા હોવાથી બહેતર રીતે કામ કરી શકે છે. એવી પણ એક ગણતરી છે કે આરામના વધુ દિવસોનો અર્થ છે પ્રવાસન, રમતગમત, મનોરંજન તેમજ આ પ્રકારનાં અન્ય ક્ષેત્રનો વધુ વિકાસ.
પરિવર્તક નિર્ણયની યુ.એ.ઈ.માં જાણે કે મોસમ હોય એવો માહોલ છે. આવો બીજો નિર્ણય છે ફિલ્મો પરની સેન્સરશીપને ખતમ કરવાનો નિર્ણય. હવેથી ૨૧† ની નવી શ્રેણી દાખલ કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં દેખાડવામાં આવતાં ‘વાંધાજનક’ દૃશ્યો એમનાં એમ રાખવામાં આવશે. મુસ્લિમ પર્સનલ કાનૂનમાં પણ આ દેશ છૂટછાટ મૂકી રહ્યો છે. અગાઉ ૨૦૧૯ માં યુ.એ.ઈ.એ ઈઝરાયલ સાથે શાંતિકરાર કરીને તેની સાથેના સંબંધોને સામાન્ય કર્યા. ભારતીય મૂળના પુષ્કળ લોકો યુ.એ.ઈ.માં વસે છે અને કામ કરે છે. વિદેશીઓને આકર્ષવા માટે યુ.એ.ઈ.એ ‘ગોલ્ડન વીઝા’ તરીકે ઓળખાતા લાંબા ગાળાના નિવાસી વીઝાની પ્રણાલિને અમલી બનાવી છે. એ મુજબ આ વીઝાધારકો કોઈ પણ જાતના સ્પોન્સર વિના યુ.એ.ઈ.માં રહી શકે, કામ કરી શકે યા અભ્યાસ કરી શકે છે, તેમજ પોતાના વ્યવસાય પર સુવાંગ માલિકી ધરાવી શકે છે.
તેલ પર નિર્ભર પોતાના દેશની અર્થવ્યવસ્થાને ધીમે ધીમે અન્ય ક્ષેત્રે વાળીને વ્યક્તિગત તેમજ વિદેશી રોકાણોને આકર્ષવા માટે આ ફેરફાર થઈ રહ્યા છે. આ પગલાં આવકારદાયક કહી શકાય. ખાસ કરીને યુ.એ.ઈ. જેવો મુસ્લિમ ધર્મકેન્દ્રી દેશ ધીમે ધીમે ઉદારમતવાદી વિચારધારા તરફ ઝુકાવ વધારે એ એવા અન્ય દેશો માટે પણ ઉદાહરણરૂપ બની શકે એવી શક્યતાને અવગણી શકાય નહીં. આ અગાઉ, અખાતી દેશના સમૂહ પૈકીના એક એવા સાઉદી અરેબિયાએ ફિલ્મો પરનો પ્રતિબંધ ૨૦૧૮ માં ઉઠાવી લીધો હતો. ૧૯૮૩ થી ૨૦૧૮ ના સાડા ત્રણ દાયકાના સમયગાળા દરમિયાન અહીં ફિલ્મ સાવ પ્રતિબંધિત હતી. પ્રતિબંધ ઉઠાવાયા પછી હવે ફિલ્મ ફેસ્ટીવલ યોજાઈ રહ્યા છે.
સરકાર કદાચ પોતાના કોઈ સ્વાર્થને લઈને પણ ઉદારમત તરફ ઝુકાવ વધારી રહી હોય તો એ ખોટું નથી, કેમ કે, ઉદારમતવાદથી સરવાળે નાગરિકોને જ લાભ થવાનો છે. ધાર્મિક રૂઢિચુસ્તતા અને કટ્ટરતા માટે વગોવાયેલા એવા મુસ્લિમ ધર્મને રાજ્યધર્મ તરીકે સ્વીકારેલા આ દેશો એક યા બીજા કારણસર ધાર્મિક બંધનોને શિથિલ કરે અને ઉદારમતવાદી વલણ અપનાવતા થાય એ આવકારદાયક ઘટના કહી શકાય. બીજી તરફ આપણા દેશમાં જ, ઉદારમતવાદ માટે જાણીતા એવા હિન્દુક ધર્મમાં રાજકીય એજન્ડા હેઠળ કટ્ટરતાવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે એ પણ કેવી વક્રતા!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.