ગાંધીનગર : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેજવાર ગુલાબસિંહ રાજપૂત સામે 2442 મતોથી વિજય થયો હતો. વાવ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ જોવા માટે વિવિધ લોકો પણ આવ્યા હતા. ત્યારે ભાજપનું વિજય સરઘસ જોવા ઉભેલા રૂની ગામના બે યુવાનો અચાનક સુથાર નેસડી કેનાલમાં ડૂબી જતાં બંનેના મોત થયા છે.
પોલીસ સૂત્રોએ કહયું હતું કે ગઈકાલે રાત્રી દરમ્યાન ભાજપનું વિજય સરઘસ જોવા માટે જોધાભાઈ ઠાકોર અને કલાભાઈ ઠાકોર કેનાલ કિનારે ઉભા રહ્યાં હતા. આ દરમિયાન કેનાલની પાળી નીચી હોવાને કારણે એક ભાઈ કેનાલમાં પડી ગયો હતો. તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ કેનાલમાં ડૂબી ગયો હતો. કેનાલમાં ડૂબી જવાને કારણે બંને ભાઈઓના મોત થયા છે. આ બંને યુવાનો ભાભર તાલુકાના રૂની ગામના વતની હતી અને બંને કૌટુંબિક ભાઈઓ થતાં હતા.