નવી દિલ્હી: શાહરૂખ ખાનનું (Shah Rukh khan) ઘર મન્નતમાં (Mannat) સુરક્ષા ચૂક થઈ હોવાનું જાણવા મળ્ચું છે. ગુરૂવારે રાત્રે બે અજાણ્યા યુવક સુરક્ષા તોડીને બાંદ્રામાં સ્થિત મન્નતમાં ઘૂસ્યા હતા. દિવાલ કૂદીને બે યુવકો બંગલાના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જો કે સિક્યોરિટી ગાર્ડ્સે તેમને પકડી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. બંને યુવકોની ઉંમર 21-25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ બંને યુવકો સુરતના હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે બંને વિરૂદ્ધ IPCની કલમ 452ય34 હેઠળ કેસ કર્યો છે. અભિનેતાની સુરક્ષામાં આ ક્ષતિથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. તે જ સમયે, ઘણા ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતો? આ અંગેની માહિતી પણ સામે આવી છે.
આ ઘટના બની ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતો?
જ્યારે આ ઘટના બની ત્યારે શાહરૂખ ખાન ક્યાં હતો? તો મળતી માહિતી અનુસાર બંને અજાણ્યા વ્યક્તિઓ મન્નતની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા ત્યારે શાહરૂખ ખાન ત્યાં ન હતો. તે પોતાની ફિલ્મ જવાનનું શૂટિંગ કરી રહ્યો હતો. આ ઘટના અંદાજે રાતના સાડા નવ આસપાસની છે. પોલીસ પૂછપરછમાં બંનેએ કહ્યું હતું કે તેઓ સુરતના છે અને શાહરુખને મળવા માટે મુંબઈ આવ્યા હતા. પોલીસ બંનેનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. માહિતી અનુસાર શાહરૂખ શૂટ પરથી વહેલી સવારે પાછો આવ્યો અને સૂઈ ગયો.
બંને શખ્સો પોલીસ કસ્ટડીમાં
ગુરુવારે સાંજે મન્નતના બંગલાના ત્રીજા માળ સુધી બંને યુવકો પહોંચ્યા હતા. સિક્યોરિટીએ બંને લોકોને છુપાયેલા જોયા બાદ તેઓ પકડાઈ ગયા હતા. બંનેને પકડીને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પકડાયેલા બંને યુવકોની ઉંમર 21થી 25 વર્ષની વચ્ચે જણાવવામાં આવી છે. આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે બંગલામાં અનધિકૃત પ્રવેશ સહિત ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કિંગ ખાન આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે
શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વર્ષે જ કિંગ ખાને મોટા પડદા પર કમબેક કર્યું છે. તેમની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ભારતમાં 500 કરોડ અને વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો વટાવી ગયો છે. આ ફિલ્મને ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
ગૌરી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી
જો કે ફિલ્મો સિવાય શાહરૂખ ખાન બીજા કારણે પણ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા શાહરૂખની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનઉમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મુંબઈના રહેવાસી કિરીટ જસવંત શાહે પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે લખનઉમાં તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડ પાસેથી કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. તેણે અત્યાર સુધી કંપનીને 86 લાખ રૂપિયા આપ્યા છે, પરંતુ હજુ સુધી તેને ફ્લેટ મળ્યો નથી. જસવંત કહે છે કે ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. ગૌરી ખાનના પ્રચારથી પ્રભાવિત થઈને તેણે આ ફ્લેટ લઈ લીધા હતા. એટલા માટે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. કંપનીના સીએમડી અનિલ કુમાર તુલસીયાની અને ડાયરેક્ટર મહેશ તુલસીયાનીને પણ FIRમાં આરોપી બનાવવામાં આવ્યા છે.