ચેક રિટર્નના વધતા જતા કેસોને લઇને ચૂકાદાના સમયે કેટલાક આરોપી કે તેના વકીલ ગેરહાજર રહે છે. દરમિયાન આવા જ એક કેસમાં કોર્ટે આરોપી અને તેના વકીલની સામે લાલ આંખ કરીને કડક વલણ અપનાવ્યું હતું. પાંચ મહિનાથી કોર્ટમાં ગેરહાજર રહેનાર આરોપીને બે વર્ષની કેદની સજા તેમજ 30 લાખનો દંડ ફટકારતો હુકમ કરાયો હતો.
આ કેસની વિગત મુજબ હજીરા (hajira) રોડ ઉપર સુવાલી પાસે જૂનાગામમાં રહેતા નરેશભાઇ શંકરભાઇ પટેલે રીંગરોડની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિઝનેસમાં આવેલી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લિમીટેડના અધિકારી રાહુલ એન. સૈંદાણેની પાસેથી હાઇપોથીકેશન વાહનની ખરીદ કરી હતી અને તેના ઉપર લોન (vehicle loan) લીધી હતી. ત્યારબાદ બેંકના હપ્તા નહી ભરતા આશરે 15 લાખની રકમ બાકી રહી હતી. શ્રીરામ ટ્રાન્સ્પોર્ટ દ્વારા નરેશભાઇને નોટીસ ચૂકવીને 15 લાખ ભરવા માટે જણાવતા તેઓએ આઇસીઆઇસીઆઇ બેંકનો ચેક આપ્યો હતો. પરંતુ આ ચેક અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો. ત્યારબાદ શ્રીરામ ટ્રાન્સ્પોર્ટએ વકીલ વિપુલ આસમાનીવાલા મારફતે સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. આકેસ ચાલી જતાં લોકડાઉન પહેલા જ કેસની અંતિમ સૂનાવણી થઇ ગઇ હતી.
સમગ્ર કેસ ફરિયાદ પક્ષની તરફેણમાં આવ્યો હતો. કોર્ટે આરોપી અને તેના વકીલને છેલ્લી દલીલો કરવા માટે કોર્ટમાં હાજર રહેવા કહ્યુ હતુ પરંતુ આ દરમિયાન લોકડાઉન આવી જતા કોર્ટ કાર્યવાહી ખોરવાઇ પડી હતી. ગત તા. 1-7-2020 થી જે કેસો ચૂકાદા ઉપર હોય તેની સૂનાવણી કરીને ઓનલાઇન હીયરીંગ કરવાનો આદેશ કરાયો હતો. પરંતુ છેલ્લા પાંચ મહિના ઉપરાંતથી આરોપી નરેશભાઇ કે તેમના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. જેની ગંભીર નોંધ કોર્ટે લઇને આરોપી નરેશભાઇને ચેક રિટર્નના કેસમાં તકસીરવાર ઠેરવ્યા હતા અને બે વર્ષની કેદની સજા અને 30 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ દંડની રકમ વસૂલવા માટે આરોપીની મિલકત જપ્તી કરવાના આદેશ પણ કરાયો હતો. કોર્ટે નોંધ્યુ હતું કે, ચેક રિટર્નના ગુનાને કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થાય છે તેવા સંજોગોમાં આરોપી સાથે હમદર્દી ભર્યો વ્યવહાર કરવો યોગ્ય નથી. આ ઉપરાંત ફરિયાદીને વળતર મળે તો જ વ્યાજબી ગણાય.
કોર્ટે ચૂકાદામાં લખ્યુ હતુ કે, લોકડાઉનના કારણે કોર્ટ બંધ થઇ ગઇ હતી પરંતુ જે કેસો ચૂકાદા ઉપર હોય તેનું ઓનલાઇન હિયરીંગ કરીને કેસોનો ચૂકાદો આપવા માટે નિર્ણય લેવાયો હતો. દરમિયાન ગત તા. 1-7-2020 થી આરોપી નરેશભાઇ કે તેમના વકીલ કોર્ટમાં હાજર રહ્યા નથી અને તેના કારણે પાંચ માસ સુધી કેસનો વિલંબ થયો છે. ઓનલાઇન હીયરીંગ શરૂ હોવાનું આરોપીના વકીલના ધ્યાનમાં હોવા છતાં તેઓ હાજર રહ્યા નથી જેને ધ્યાને લઇને કોર્ટે આજે આરોપી અને તેના વકીલની ગેરહાજરીની સાથે જ આરોપી નરેશભાઇને બે વર્ષની કેદની સજા તેમજ ચેકની બમણી રકમ રૂા. 30 લાખના દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત આરોપીને જે પાસપોર્ટ છે તે તાત્કાલીક અસરથી બંધ કરી દેવા માટે પણ પાસપોર્ટ અધિકારીને આદેશ કરીને તેની લેખીતમાં જાણ કોર્ટને કરવા જણાવાયું હતું.
સુરત કોર્ટે આરોપીની ગેરહાજરીની ગંભીર નોંધ લઇને ચૂકાદામાં લખ્યુ હતુ કે, પાંચ માસથી કોર્ટનું કામકાજ શરૂ હોવા છતાં આરોપી કે તેના વકીલ ચૂકાદા માટે હાજર રહ્યા નથી. જેથી સજા વોરંટ તાત્કાલીક ઇશ્યુ કરી સુરતના પોલીસ કમિશનર તેમજ ગાંધીનગરના ડીઆઇજીને બજવણી માટે મોકલી આપવામાં આવે છે. આ સાથે જ વોરંટની બજવણી કરાવડાવીને આરોપીને જે કોઇ મિલકત મળી આવે તે તમામ મિલકતની જપ્તીની કાર્યવાહી કરી દંડની રકમ વસૂલ લેવા આદેશ કરાયો હતો.