સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આગજનીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગઈકાલે જ એક રિક્ષા, વીજકંપનીના ટ્રાન્સફોર્મર અને કાપડની દુકાનમાં આગ લાગી હતી, ત્યાં આજે વધુ એક ઘટના બની છે. ભેસ્તાનમાં આવેલી એક કેમિકલની ફેક્ટીરમાં (Factory) આગ (Fire) લાગી હતી. આ દુર્ઘટનામાં બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન ગણેશકૃપા ઈન્ટસ્ટ્રીયલ એસ્ટેટમાં અનિતા એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં આજે કામદારો પોતાના રૂટિન કામમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક બોઈલર પાસે આગ ફાટી નીકળી હતી. આગ કેમિકલના સંપર્કમાં આવતા તે વકરી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
ગભરાયેલા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. બોઈલર પાસે કામ કરતા બે કામદારો આગલની ચપેટમાં આવી ગયા હતા. બંને જણા ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઉપરાંત કેમિકલના ડ્રમ સુધી આગ ફેલાઈ હતી. આગ નજીક 25થી 30 ડ્રમ કેમિકલથી ભરેલા હતા. તે સળગ્યા હતા. મશીન, વાયરિંગ સહિતની ચીજવસ્તુઓ આગની ઝપેટમાં આવી હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા ઘટના સ્થળે દોડી જઈ જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયરના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગની ઘટનામાં કેમિકલના 30 જેટલાં ડ્રમ અને મશીન તેમજ વાયરીંગ બળી ગયા છે. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા રૂદ્ર કપિલ પાંડે અને રોહિત મિતેશ ચૌધરી દાઝ્યા છે. તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બંનેના હાથ અને પગમાં ઈજા છે. હાલ તબીબો તેમની સારવાર કરી રહ્યાં છે.