વડોદરા: વડોદરામા એક તરફ રખડતા ઢોર પકડવાની ઝુબેશ ચાલે છે અને બીજી તરફ રખડતા ઢોરો બેફામ બન્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના આજવા રોડ પર રહેતા નણંદ અને ભાભી રખડતા ઢોરના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નવજીવન બસ સ્ટેન્ડ નજીક આજવા રોડ ઉપર રહેતી સંત પ્યારી અને ભાવિકા નામની મહિલા પર ગાયે હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે. બંન્ને મહિલા એક્ટિવા પર ડબલ સવારીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાય દ્વારા અચાનક જ નણંદ અને ભાભી પર હુમલો કરવામાં આવ્યો હતો.
અચાનક ગાય દ્વારા બંન્ને મહિલા પર શિંગડા વડે હુમલો કરવામાં આવ્યો. ગાયે બંન્ને મહિલાને નીચે પાડ્યા બાદ એક્ટિવા પર ચડી સતત મહિલાઓ પર હુમલો કરતી રહી. જે જોતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી ગાયને માર મારતા ભાગી ગઈ હતી. ભાવિકા નામની મહિલાને બેઠા મારના પગલે હાલત કફોડી બની હતી. જેથી આસપાસના લોકો દ્વારા બંન્ને મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ગાયે બંન્ને મહિલાઓને શિંગડા માર્યા બાદ લાતો મારતા મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. જો કે, આ ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
બીજી તરફ બંન્ને મહિલા એક જ પરિવારની હોવાથી ઘટના અંગે જાણ થતા પરિજનો દોડી આવ્યા હતા. જે બાદ ગોપાલકો સાથે બેસીને રસ્તે રખડતી ગાયોની સમસ્યા હલ કરવા પરિજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. જેને પગલે મહિલાઓ પર ગાયના હુમલાબાદ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ ગાયને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથધરી હતી. આ અંગે” ગુજરાત મિત્ર “સાથે વાત કરતા ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, નવજીવનથી મારી નણંદ સાથે મારા ફોઈના ઘરેથી નીકળી રહ્યા હતા. તે સમયે અચાનક ગાયે અમારી પર હુમલો કર્યો.
આ હુમલો એવી રીતે થયો કે, ગાય અચાનક આવી અમને નીચે પાડી એક્ટિવા પર ચડી ગઈ હતી. જે હાદ સતત શિંગડા વડે અમારી પર હુમલો કરી રહી હતી. જ્યાં સુધી લોકોએ આવી ગાયને મારીને ભગાડી નહિ ત્યાં સુધી ગાયે હુમલો જ કર્યા કર્યો.
જેથી ખભા,મોં,પીઢ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ગાયે મારો અડધો હાથ મોમાં લઈ લીધો હતો. મારી નણંદના માથા પર ગાયે પગ મૂકી દેતા તેમને ઘણી ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકો દ્વારા પ્રાણાયમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.