આણંદ : કરમસદ ખાતે દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ બીજા દિવસે આણંદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળો વેચતા બે શખસને પકડી પાડ્યાં હતાં અને તેમની પાસેથી રૂ. સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, ઉપરા છાપરી બે એજન્સીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. આણંદના બે વેપારીઓએ ગ્રાહકોને પ્રસિધ્ધ કંપનીની ડુપ્લીકેટ ઘડિયાળો વેચી ગ્રાહકો સાથે વ્યાપક છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો છે. દિલ્હીની કોપીરાઇટ અને ટ્રેડમાર્ક હક્કોના રક્ષણ અંગેના કંપની હિતો ઉપર નજર રાખતી કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ગાંધીનગર સીઆઈડીના અધિકારીઓ સાથે આણંદ મીરા પોઈન્ટ અને એસ.એમ.એન્ટરપ્રાઇઝ નામની બે દુકાનોમાં દરોડો કરતા 7 લાખ ઉપરાંતનો ડુપ્લીકેટ મુદ્દામાલ ઝપ્ત કરાયો છે.
આણંદમાં જાણીતી દુકાનોમાં ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં થતી છેતરપિંડી અને વિશ્વાસઘાતની મોટી ઘટનાની વિગતો ખુલી છે. અમદાવાદ રહેતા અને પાયરસી ગૃપ સર્વિસીસમાં ઇન્વેસ્ટગેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજદીપકુમાર રાજપૂતને આણંદમાં ડુપ્લીકેટ ઘડિયાળોના વેચાણ અંગે બાતમી મળી હતી. જેથી તેઓ દ્વારા આ અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને ફરિયાદ કરી હતી. જેના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ઇન્સ્પેક્ટર એમ.એમ.ચૌધરી અને સ્ટાફ તેમજ એસઆરપીના માણસો સાથે મહાવીર માર્ગ જૈન દેરાસર સામે આવેલા યા દાદા કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી મીરા પોઇન્ટ તથા હાઈટ્સ કોમ્પ્લેક્સમાં આવેલ એસ.એમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડવામાં આવ્યાં હતાં.
અહીં તપાસ દરમિયાન ઘડિયાળોની ચકાસણી કરતા મીરા પોઇન્ટની દુકાનમાં બ્રાન્ડેડ કંપની ડીઝલ, અરમાની, ફોસીલ અને એમ.કે. કંપનીના ડુપ્લિકેટ ઘડિયાળો અને પેકિંગ બોક્સ સહિત 5,22,700 નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે એસ.એમ.એન્ટરપ્રાઇઝ દુકાન માંથી 2,10,000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. 5000 અને તેથી વધુ કિંમતની ઘડિયાળો ડુપ્લિકેટ માલનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપતા ચકચાર મચી ગઈ છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા રૈયાન આરીફભાઈ વ્હોરા (રહે.નૂતન નગર સોસાયટી ,અમીના મંજીલ પાસે પાધરીયા, આણંદ) તથા સિરાજભાઈ ગનીભાઈ વ્હોરા (રહે.નરસંડા,તા.નડિયાદ જી.ખેડા) વિરૂધ્ધ ગેરકાયદેસર ફોસીલ, ડીઝલ, એમ.કે. અને અરમાની જેવી બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળો કોઈપણ પ્રકારના પરવાના વગર વેપાર કરી કોપીરાઇટ એકટનો ભંગ કરતા હોઈ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.