આણંદ : આણંદ સહિત રાજ્યભરની કોઇ પણ આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલા વાહનોની બોગસ આરસી બુકો બનાવવાનું મસમોટું કૌભાંડ સ્થાનિક ગુના શોધક શાખાએ પકડી પાડ્યું હતું. આ સંદર્ભે પકડી પાડેલા ઉમરેઠ અને બનાસકાંઠા શખસની સઘન પુછપરછ થઇ રહી છે. પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી મળી આવેલા 16 વાહનોની બોગસ આરસી બુક કબજે લેવામાં આવી છે. જોકે, આ આરસી બુકનો શું ઉપયોગ ? આરસી બુક બનાવવા કેટલી કમાણી થતી હતી ? સહિતના પ્રશ્નો અંગે સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ બોગસ આરસી બુક પર આરટીઓ અધિકારીના સહી-સિક્કા મળી આવ્યાં છે. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ 4થી સપ્ટેમ્બર,2021ના રોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખસ અલગ અલગ આરટીઓ કચેરીની અલગ અલગ વાહનોની આરસી બુક લઇ શકમંદ હાલતમાં ફરી રહ્યો છે. હાલ તે મહેન્દ્ર શાહ પીકઅપ સ્ટેન્ડ પાસે આવી રહ્યો છે. આ બાતમી મળતાં એલસીબીની ટીમ મહેન્દ્ર શાહ પીકઅપ સ્ટેન્ડ પર વોચ ગોઠવી હતી. જેમાં એક શખસ શકમંદ જણાતા તેને રોકી પુછપરછ કરતાં તે ગુલામમહોમંદ ઉર્ફે ગુલો આદમભાઈ વ્હોરા (ઉ.વ.36, રહે. અલહમીદા સોસાયટી, ઉમરેઠ) હોવાનું જણાવ્યું હતું. તેની તલાસી લેતાં અલગ અલગ 16 આરસી બુક મળી આવી હતી.
આ આરસી બુક સંદર્ભે સંતોષકારક જવાબ ન આપતાં જપ્ત કરી ખરાઇ કરવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ પૂછપરછ કરતાં આ સ્માર્ટ કાર્ડ તારીફ અબ્દુલહમીદ માકણોજીયા (રહે. રજોસણા, મુમનવાસ પરમાં, તા. વડગામ, બનાસકાંઠા) પાસેથી લાવતો હતો. જે જરૂરિયાતવાળા વાહન માલીકોને આપતા હતાં. પ્રાથમિક તપાસમાં આ આરસી બુક બનાવટી અને ગેરકાયદેસર હોવાનું ખુલ્યું હતું. આથી, ગુલામમોહંમદ ઉર્ફે ગુલો આદમભાઈ વ્હોરા (રહે. ઉમરેઠ) અને તારીફ અબ્દુલહમીદ માકણોજીયા (રહે.રજોસણા) સામે ગુનો નોંધી બન્નેની અટકાયત કરવામાં આવી હતી. તારીફની પુછપરછ કરતાં તે પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી આ સ્માર્ટ કાર્ડ બનાવતા હોવાની હકિકત બહાર આવી છે.
ચીપમાં રહેલી માહિતી તથા કાર્ડ પર છાપેલ માહિતી અલગ અલગ નીકળી
આણંદ એલસીબી દ્વારા ગુલામમોહંમદ પાસેથી મળેલા 16 આરસી બુકની ખરાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રોજેક્ટ મેનેજર સીલ્વર ટચ ટેકનોલોજીસ લીમીટેડ આરસી બુક સેન્ટર, ગોકુલ એપાર્ટમેન્ટ નોર્થ વ્યુ સોસાયટી વિભાગ-2ની જુની પાસપોર્ટ ઓફિસની બાજુમાં ગુલબાઇ ટેકરા અમદાવાદ ખાતે ચીપ રીડર મારફતે ખાતરી તપાસ કરાવતા તમામ સ્માર્ટ કાર્ડ (આરસી બુક) ચીપમાં રહેલી માહિતી તથા કાર્ડ ઉપર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જાણવા મળ્યું છે.
બોગસ આરસી બુકમાં મોટા ભાગના રીક્ષાનો સમાવેશ
ઉમરેઠના ગુલામમોહંમદ પાસેથી પકડાયેલી આરસી બુકમાં છ રીક્ષા ઉપરાંત કાર, 3 બાઇક, બોલેરોનો સમાવેશ થાય છે. આ વાહનો ચોરાઉ હોવાનુ કે પછી અન્ય કારણસર તેની બોગસ આરસી બુક બનાવવામાં આવી તે સંદર્ભે પોલીસ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.
- 16 આરસી બુક કોના કોના નામની ?
- વડોદરા આરટીઓની આરસી બુકમાં ભરતસિંહ માનસિંહ ચાવડા.
- સુરત આરટીઓની આરસી બુકમાં પ્રશાંત અમૃતલાલ ભાવસાર.
- નડિયાદ આરટીઓની આરસી બુકમાં મલેક ઇમરાનમીંયા અબ્દુલભાઈ.
- નડિયાદ આરટીઓની આરસી બુક પરમાર મનુભાઈ ભીખાભાઈ.
- આણંદ આરટીઓની આરસી બુકમાં યોહાનભાઈ ચીમનભાઈ ખ્રીસ્તી.
- આણંદ આરટીઓ વિશ્નુભાઈ શનાભાઈ પરમાર.
- ખેડા આરટીઓની આરસી બુકમાં મહોબતસિંહ બાબુભાઈ ચાવડા.
- ખેડા આરટીઓની આરસી બુકમાં કૌશીક બાબુભાઈ પ્રજાપતિ.
- ખેડા આરટીઓની આરસી બુકમાં રાજાભાઈ ગોરાભાઈ ભરવાડ.
- ખેડા આરટીઓની આરસી બુકમાં દિલીપકુમાર બચુભાઈ સોલંકી.
- વડોદરા આરટીઓની આરસી બુકમાં મોસીનભાઈ રજાભાઈ મન્સુરી.
- વડોદરા આરટીઓની આરસી બુકમાં મનકોર સતરસિંગ સીકલીગર.
- વડોદરા આરટીઓની આરસી બુકમાં ભાવેશ ઠાકરશી પ્રજાપતિ.
- પાલનપુર આરટીઓની આરસી બુકમાં અમરતજી છેલાજી કનેલીયા.
- પાલનપુર આરટીઓની આરસી બુકમાં રમણલાલ ભીખાભાઈ પંચાલ.
- બાવળા આરટીઓની આરસી બુકમાં પ્રિયંક બીપીનભાઈ ઠક્કર.