સુરતઃ દિવાળીના તહેવારમાં માર્કેટમાં મોટા પ્રમાણમાં રોકડનો વપરાશ થતો હોય છે. આ તકનો લાભ ઉઠાવી કેટલાંક લેભાગુ તત્વોએ બજારમાં નકલી નોટ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરત પોલીસે તેઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. સુરતની સારોલી પોલીસે બે આરોપીની નકલી નોટ સાથે ધરપકડ કરી છે.
પીએસઆઇ એચ.એલ દેસાઇ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઇ વિઠ્ઠલભાઇ અને હિંમતભાઇ માવજીભાઇને બાતમી મળી હતી કે ભારતીય ચલણની તથા મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો લઇને કેટલાક શખ્સ નીકળવાના છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે ઇસમોને સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. બે લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઇન્ડિયા લખેલી 400 નોટોના ચાર બંડલ મળી કૂલ 1600 નોટ પૈકી રૂપિયા 500ના દરની સાચી નોટો કૂલ 8 કિંમત 4000 તથા 500ના દરની મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની 1592 નોટો તથા ચાર મોબાઇલ ફોન 27000ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ભારતીય ચલણી નોટોની સાથે વચ્ચે બનાવટી નોટો મુકી ઠગાઇ કરવાનો પ્રયાસ કરનારા 2 શખ્સની ધરપકડ કરી છે. ફારૂક બિસ્મીલ્લા બેગ અને મનોહર અક્કલા બાલારાજુ અસલી ચલણી નોટોની વચ્ચે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મુકીને વેચાણ કરવાના હતા.જોકે, આ પહેલા જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી નકલી નોટો કબ્જે લીધી હતી.
નોંધનીય છે કે, સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાની ઓફિસ ઝડપાઇ છે. સરથાણામાં એપલ સ્કવેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને SOGની ટીમે ઝડપી છે. SOGની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્કવેર કોમ્પલેક્સમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને ઘટનાસ્થળેથી 1 લાખથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.