૮ નવેમ્બર ૨૦૧૬ની એ રાત યાદ કરો. દિવાળીના તહેવારો પુરા થયાને થોડા દિવસો થયા હતા. રજાઓ પછી ધંધાઓ ધીમે ધીમે ફરી શરૂ થઇ રહ્યા હતા અને વડાપ્રધાન મોદીએ અચાનક રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી કે રૂ. ૧૦૦૦ અને રૂ. પ૦૦ની ચલણી નોટો તત્કાળ અસરથી ચલણમાંથી રદ કરવામાં આવે છે. જેમની પાસે આ ચલણી નોટો હોય તેઓ બેંકમાં જઇને પોતાની આ રદ નોટો બદલાવી શકે છે. આ નોટોના બદલામાં આપવા માટે મોદી સરકારે અગાઉથી નવી સીરિઝની પ૦૦ની નોટો અને ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નવી ચલણી નોટો પણ છપાવડાવી હતી. લોકોમાં હાહાકાર મચી ગયો.
ત્યારપછીના દિવસોમાં બેંકો પર નોટો બદલાવવા માટે લાંબી લાઇનો, એટીએમ બૂથો પર લાંબી લાઇનો સામાન્ય બાબત બની ગઇ. ઘણી બધી અંધાધૂ઼ંધી સર્જાઇ. લાઇનોમાં અરાજકતા, ગભરાટને કારણે કેટલાકના મોત થયા તો કેટલાકે આપઘાત પણ કર્યા. આ બધી વાતોની ચર્ચા હાલ બાજુએ મૂકીએ, પણ નોટબંધી તરીકે ઓળખાયેલા સરકારના તે પગલાએ દેશને એક નવી વસ્તુ આપી તે બે હજાર રૂપિયાની નવી ઘેરી ગુલાબી નોટ! આ બે હજારની નોટ પણ ઘણી વિવાદાસ્પદ બની હતી, કેટલાકે તેને કાળાબજારિયાઓને સગવડ કરી આપવા માટે રજૂ કરાયેલી નોટ ગણાવી તો આ નોટમાંથી રંગ નિકળતો હતો તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું.
નોટબંધીને પાંચ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે ત્યારે હવે આ બે હજારની નોટ ચલણમાંથી ધીમે ધીમે ઓછી થઇ રહી છે તેવા અહેવાલો આવ્યા છે. રિઝર્વ બેન્કનો તાજેતરનો વાર્ષિક અહેવાલ જણાવે છે કે દેશમાં ફરતી કુલ ચલણી નોટોમાં બે હજાર રૂપિયાના મૂલ્યની ચલણી નોટોનું પ્રમાણ ખૂબ ઓછું થઇ ગયું છે. સ્વાભાવિક રીતે, બેન્કમાં જમા થતી બે હજારની નોટોને ફરી ચલણમાં મૂકવામાં આવતી નથી, બે હજારની નવી નોટો પણ છાપવામાં આવતી નથી કે ખૂબ ઓછી છાપવામાં આવે છે અને તે રીતે તેનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષમાં રૂ. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટોની સંખ્યા સતત ઘટતી ગઇ છે અને આ વર્ષના માર્ચ મહિનાના અંતે આ નોટો ૨૧૪ કરોડ અથવા ચલણમાં ફરતી કુલ નોટોના ૧.૬ ટકા જેટલી રહી હતી એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ જણાવે છે. આ વર્ષના માર્ચના આંકડાઓ મુજબ ચલણમાં ફરતી તમામ મૂલ્યની કુલ ચલણી નોટો ૧૩૦પ૩ કરોડ જેટલી હતી, જે એક વર્ષ પહેલાના આ જ સમયગાળામાં હતી તેના કરતા ૧૨૪૩૭ કરોડ વધારે હતી. માર્ચ ૨૦૨૦ના અંતે, રૂ઼. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટો ૨૭૪ કરોડ હતી જે ચલણમાંની કુલ ચલણી નોટાના ૨.૪ ટકા જેટલી થતી હતી.
આ સંખ્યા માર્ચ ૨૦૨૧માં ઘટીને ૨૪૫ કરોડ થઇ હતી જે ચલણમાંની કુલ બેન્ક નોટોના બે ટકા જેટલી થતી હતી અને તેના પછી આ વર્ષના માર્ચના અંતે આ નોટોની સંખ્યા ૨૧૪ કરોડ અથવા ૧.૬ ટકા થઇ હતી. મૂલ્યની રીતે જોઇએ તો પણ ચલણમાં ફરતી કુલ ચલણીના નોટોના કુલ મૂલ્યમાં બે હજારની નોટોનું કુલ મૂલ્ય ઘટતું ગયું છે. બે હજાર રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય ચલણમાંની તમામ નોટોના કુલ મૂલ્યના ૨૨.૬ ટકા હતું જે માર્ચ ૨૦૨૧ના અંતમાં ઘટીને ૧૭.૩ ટકા થઇ ગયું હતું અને માર્ચ ૨૦૨૨ના અંતે વધુ ઘટીને માત્ર ૧૩.૮ ટકા રહી ગયું હતું.
દેશના કુલ ચલણમાં બે હજારની નોટોનું પ્રમાણ જથ્થા અને મૂલ્ય – બંનેની દષ્ટિએ કેટલું ઘટી ગયું છે તે આના પરથી સમજી શકાય છે. બીજી બાજુ આરબીઆઇના અહેવાલ મુજબ આ વર્ષના માર્ચ મહિનાના અંત ચલણમાંની કુલ નોટોમાં રૂ. પ૦૦ના મૂલ્યની ચલણી નોટો વધીને ૪૫૫૪.૬૮ કરોડ થઇ હતી જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળામાં આ મૂલ્યની ચલણી નોટો ૩૮૬૭.૯૦ કરોડ હતી. જથ્થાની રીતે ચલણમાંની કુલ નોટોમાં રૂ. પ૦૦ના મૂલ્યની નોટોનું પ્રમાણ સોથી વધારે ૩૪.૯ ટકા છે જેના પછી રૂ. ૧૦ના મૂલ્યની નોટો આવે છે જેમનું પ્રમાણ ૨૧.૩ ટકા છે.
આંકડાઓ જોતા એમ જણાય છે કે સરકાર બે હજારની નોટોનું પ્રમાણ ઘટાડીને પાંચસો રૂપિયાના મૂલ્યની નોટોનું પ્રમાણ ચલણમાં વધારવા માગે છે. એટીએમમાંથી તો હાલ મોટે ભાગે પાંચસોની જ નોટ નિકળે છે. બે હજાર કે સો રૂપિયાના મૂલ્યની નોટો ભાગ્યે જ નિકળે છે. એક હજારની નવી સિરિઝની નોટો આવશે એવી એક વાત હતી પણ હાલ એવી કોઇ હિલચાલ જણાતી નથી.
પરંતુ બે હજારની નોટો ચલણમાં ખૂબ ઓછી કરી નાખવા માટે સરકાર મક્કમ જણાય છે. બે હજારની નવી નોટો છાપવાનું તો ખૂબ ઓછું ક્યારનું કરી નખાયું હતું, હવે બેન્કો પાસે આવતી બે હજારની નોટો ફરી ચલણમાં મૂકવામાં આવતી નથી તે સ્પષ્ટ જણાય છે. નોટબંધીના પરિણામો જોઇ ચુકેલી સરકાર હવે બીજી વખત નોટબંધી કદાચ ક્યારેય નહીં કરે પણ ધીમે ધીમે તે બે હજારની નોટો સિફતપૂર્વક ચલણમાંથી ઘટાડી તો શકે છે અને હાલ તે જ થઇ રહ્યું છે. લાગે છે કે ત્રણેક વર્ષ પછી બે હજારની નોટો ભાગ્યે જ જોવા મળશે.