National

પહેલગામ હુમલાના 24 કલાકમાં બારામુલામાં બે આતંકી ઠારઃ પાકિસ્તાની ચલણ, ચોકલેટ, હથિયારો મળ્યા

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાકો બાદ આજે તા. 23 એપ્રિલ 2025ના રોજ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો.

ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર ઉરી નાલા વિસ્તારમાં સરજીવન ખાતે 2-3 અજાણ્યા આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સૈનિકોએ તેમને રોકીને ગોળીબાર કર્યો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.

ઓપરેશન ટિક્કા હેઠળ સેનાએ મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરી. આ ઘટના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછીના 24 કલાકથી ઓછા સમયમાં બની છે. પહેલગામના આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

આ ઓપરેશન દરમિયાન સેનાએ હાજી પીર સેક્ટરમાં બે ઘુસણખોરોને ઠાર માર્યા અને દારૂગોળો જપ્ત કર્યો. નિયંત્રણ રેખા (LoC) પર હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન વિસ્તારમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા દર્શાવે છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 2 એસોલ્ટ રાઇફલ, દારૂગોળો અને યુદ્ધ સંબંધિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ આતંકવાદીઓ પાસેથી કારતૂસ, પાકિસ્તાની ચલણ, ચોકલેટ અને સિગારેટના પેકેટ પણ મળી આવ્યા હતા. આતંકવાદીઓ દારૂગોળાની મદદથી કાશ્મીરમાં મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ ઘૂસણખોરી દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં તેઓ માર્યા ગયા.

પહેલગામ હુમલા બાદ એલર્ટ
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે. સોમવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. તેમણે મંગળવારે પહેલગામની બૈસરન ખીણની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી.

અમિત શાહ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા અને હવે દિલ્હી પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે હુમલામાં સામેલ આતંકવાદીઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સાંજે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

પહેલગામ હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે આ કાયર હુમલા સામે આખો દેશ એક થયો છે. તેમણે કહ્યું, હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર જરૂરી દરેક પગલાં લેશે. અમે ફક્ત આ ઘટનાને અંજામ આપનારાઓ સુધી જ નહીં પરંતુ પડદા પાછળ બેસીને ભારતીય ધરતી પર આવા નાપાક કૃત્યો કરવાનું કાવતરું ઘડનારાઓ સુધી પણ પહોંચીશું.

Most Popular

To Top