અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ મહામુકાબલાની શરૂઆત ભવ્ય સેરેમની અને મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ત્રણ સ્તરની ચેકિંગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. આશરે 200 સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે.
મળતી માહિતી મુજબ ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના મહામુકાબલાની શરૂઆત ભવ્ય સેરેમની અને મેગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા ગાયક અરિજીતસિંહ, લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે. 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સ્ટેજ, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમની આખરી તૈયારીઓ ચાલી રહી છે.
અમદાવાદ શહેર પોલીસના ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે, ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ત્રણ સ્તરની ચેકિંગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. આશરે 200 સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં 1 જેસીપી અને 7 ડીસીપી મોનિટરિંગ કરશે, જ્યારે 14 એસીપી, 30 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. સ્ટેડિયમની બહાર ભીડ નિયંત્રણ માટે દર 100 મીટરે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને 20 હજાર વાહનો પાર્ક થઈ શકે તેવી વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પોલીસે પ્રેક્ષકોને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ન આવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં પાણીની બોટલ, બેનર કે ફેંકી શકાય તેવી વસ્તુ લાવવા પર પ્રતિબંધ રહેશે, જ્યારે માત્ર કાપડનો બનાવેલો ભારતનો ધ્વજ જ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. ક્રિકેટના આ હાઈવોલ્ટેજ મુકાબલા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. પ્રેક્ષકોની સુવિધા માટે સ્ટેડિયમમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પોડિયમ વિસ્તારમાં વધારાના 30 પાણીના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તબીબી સુવિધા માટે 6 મેડિકલ સ્ટોલ, 2 ટેમ્પરરી હોસ્પિટલ અને 6 આઈસીયુ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.