લુણાવાડા : મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેક્ટર કચેરીના આંગણે આત્મ વિલોપન માટે આવેલી બે વિદ્યાર્થિનીને હાજર પોલીસ કર્મચારી અને અધિકારીની સત્કર્તાથી અટકાયત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીનીઓને છેલ્લા કેટલાક સમયતી પટેલીયા સમાજના એસટીના પ્રમાણપત્ર ન મળતાં હોવાથી રોષે ભરાઇ હતી અને આ અંગે અનેક રજુઆત છતાં કોઇ પગલાં ન ભરાતાં આખરે તેઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે કલેક્ટર કચેરીએ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી.
લુણાવાડા તાલુકાના પટેલીયા સમાજના લોકોને સને 1960થી 2014 સુધી અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો આપેલા છે અને મળતાં હતાં. પરંતુ સ્થાનિક અધિકારીઓની મનમાનીના કારણે સરકારની ગાઇડ લાઇન પ્રમાણેના તમામ પુરાવાઓ આપવા છતાં લુણાવાડા તાલુકાના સ્થાનિક અધિકારીઓ પ્રમાણપત્રો આપવામાં બહાના બતાવીને અરજદારોને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી હતી. પટેલીયા જાતિના લોકો આદિજાતિમાં આવતા ન હોવાનું પણ અધિકારીઓ જણાવે છે. વયપત્રક પ્રમાણેના 1920થી 1930 સુધીના પુરાવાઓ રજુ કરવા છતા પણ કોઇને કોઇ વાંધા કાઢી અને અરજદારોને હેરાન – પરેસાન કરતાં હોવાનું સ્થાનિક લોજોએ ગાંધીનગર ખાતે રજુઆતમાં જણાવ્યું હતું. દાખલા આપવા ગાંધીનગર કમિશ્નરનું લખાણ હોવા છતાં સ્થાનીક અધિકારીઓ ગલ્લા તલ્લા કરતાં રોષ ભડક્યો હતો.
આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બાબતે અધિકારીઓ સ્થાનિક નેતાઓની રજુઆતને પણ ધ્યાન પર લેતા નથી. સને 2017 અને 2018માં પટેલીયા સમાજના અગ્રણી પટેલીયા ફુદાભાઈ દેવાભાઈ જોગ બે લખાણ કમિશ્નરને લખ્યું હતું. બાદમાં 2021માં ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના નામ જોગ લખાણ આપ્યું હતું. આમ છતાં કોઇ ઉકેલ ન આવતા 62 ગામના પટેલીયા સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જે સંદર્ભે મંગળવારના રોજ બે વિદ્યાર્થિની સહિત કેટલાક સમાજના આગેવાનો મહિસાગર કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતાં. જોકે, ત્યાં પહેલેથી જ સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ ગોઠવાઇ ગઈ હતી અને પટેલીયા સમાજની વિદ્યાર્થિની સહિત સમાજના આગેવાનોની અટક કરી હતી. આ ઘટનાના પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે હાઈડ્રામા સર્જાયો હતો. પોલીસ અને અરજદારો વચ્ચે પકડદાવ પણ જામ્યો હતો. આ ઘટનામાં પોલીસે સાત વિદ્યાર્થિની સહિત તેમના પરિવાર તેમજ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.