સુરત (Surat) : જેમ જેમ જમાનો બદલાય છે, તેમ તેમ વિદ્યાર્થીઓની (Student) પણ ચોરી (Cheat) કરવાની રીત બદલાઈ રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) બીબીએની (BBA) ફાઇનલ યરની પરીક્ષામાં (Exam) બે મિત્ર સ્માર્ટ વોચમાંથી (Smart Watch) ચોરી કરતા પકડાયા હતા. બંને મિત્ર આખી ચોપડી જ સ્માર્ચ વોચમાં પીડીએફ (PDF) બનાવી લઈ આવ્યા હતા. જેથી યુનિવર્સિટીએ બંને મિત્રને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે રૂ. 500ની પેનલ્ટી કરી છે.
- VNSGUની BBAની ફાઇનલ યરની પરીક્ષામાં બે મિત્ર સ્માર્ટ વોચમાં આખી ચોપડીની પીડીએફ લઈ આવ્યા!
- બંને મિત્રોએ ભૂલ કબૂલતા જ યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી
યુનિવર્સિટીની બીબીએની ફાઇનલ યરના સેમેસ્ટર પાંચની પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાઇ હતી. જેમાં બિઝનેસ રિસર્ચ વિષયની પરીક્ષામાં બે મિત્ર સ્માર્ટ વોચ પહેરી આવ્યા હતા. પરીક્ષા દરમિયાન બંને મિત્ર સતત તેની સ્માર્ટ વોચમાં ટેપ કર્યા કરતા હતા. જેથી સુપરવાઇઝરને શંકા ગઈ હતી. તેમણે તરત જ સુપ્રિટેન્ડેન્ટને બોલાવ્યા હતા. જે પછી બંનેની તપાસ કરી હતી. જેમાં જણાયું હતું કે સ્માર્ટ વોચમાં બિઝનેસ રિસર્ચની આખી ચોપડીની પીડીએફ હતી. જેથી સુપ્રિટેન્ડેન્ટે આ મામલે ગેરરીતિનો કેસ નોંધી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. ત્યાર પછી યુનિવર્સિટીએ બંને મિત્રને યુનિવર્સિટી ખાતે બોલાવી તપાસ હાથ ધરી હતી. જેમાં બંને વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી હતી. જેથી યુનિવર્સિટીએ બંનેને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે રૂ. 500ની પેનલ્ટી કરી હતી.
વિદ્યાર્થીએ ઊતારો કરવામાં પોતાનું તો પરિણામ રદ કર્યું, પરંતુ વિદ્યાર્થિનીનું પણ રદ કરાવ્યું
યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઊતારો કરવામાં પોતાનું પરિણામ તો રદ કરાવ્યું છે. પરંતુ જે વિદ્યાર્થિનીમાંથી કરતો હતો, તેનું પણ પરિણામ રદ કરાવ્યું છે. ટીવાયબીકોમની ફાઇનલ યરના સેમેસ્ટર પાંચની પરીક્ષામાં એક વિદ્યાર્થી પોતાની આગળ બેઠલી વિદ્યાર્થિનીની આન્સર બુકમાંથી જવાબ લખી રહ્યો હતો. તેવામાં જ ફ્લાઇગ સ્ક્વોર્ડની એન્ટ્રી થઈ હતી. જેમને ધ્યાને આ બાબત આવતા તેમણે બંનેની આન્સર બુક ચેક કરી હતી. દરમિયાન બંનેની આન્સર બુકમાં એક સરખા જ જવાબ જોવા મળ્યા હતા. જેથી તેમનો ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીને મોકલા આપ્યો હતો. આ મામલે યુનિવર્સિટીએ બંનેના જે તે વિષયના પરિણામ રદ કર્યા હતા.
યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 196માંથી 38 વિદ્યાર્થિની
એફવાયબીસીએની સેમ એકની પરીક્ષામાં એક, ટીવાયબીકોમની સેમ ફાઇનલની પરીક્ષામાં 167 અને ટીવાયબીબીએની સેમ ફાઇનલની પરીક્ષામાં 28 એમ 196 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા હતા. જે પૈકી 20 ટકા વિદ્યાર્થિની છે. મોટાભાગના વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ અને કાપલી લઇ આવ્યા હતા. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે રાઇટિંગ પેડની પાછળ તેમજ હાથ અને પગ પર જવાબ લખીને આવ્યા હતા. જેથી યુનિવર્સિટીએ તે વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં શૂન્ય માર્ક્સ આપવા સાથે રૂ. 500ની પેનલ્ટી કરી છે.