સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર, સુટકેસો તોડીને તેમાં રાખેલા સોના – ચાંદીના દાગીના અને રોકડ સહિત અઢી લાખની ચોરી કરી હતી. આ કેસમાં કોર્ટે બે તસ્કરે પાંચ વર્ષની કેદની સજા ફટાકરી હતી. સંતરામપુરમાં 2008ના વરસમાં થયેલી અઢી લાખની ઘરફોડ ચોરીમાં પોલીસે લાલાભાઈ મીઠાભાઈ વણકર અને યાસીન અબ્દુલ સલામશેખની ધરપકડ કરી હતી. આ ચોરીમાં ગયેલા મુદ્દામાલ પૈકી સોનાની બે વીંટી કપડવંજના સોની જીગ્નેશ વિનોદચંદ્રએ કપડવંજના ગીરીશભાઈ રણછોડભાઈ ઠાકોરની મદદગારીથી વેચાણ રાખીને ગુનો કર્યો હતો. આથી, પોલીસે તેઓને પણ આ ગુનામાં આરોપી તરીકે ગણીને ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ કેસ સંતરામપુર કોર્ટમાં ચાલી જતાં આરોપીઓના વકીલ અને ફરિયાદ પક્ષે સરકારી વકીલ મનોજભાઈ રાણાની લંબાણપૂર્વકની દલીલો સાંભળીને કેસમાં પડેલા પુરાવાઓને ધ્યાને લઈને સરકારી વકીલની દલીલો ગાહય રાખીને ન્યાયધિશે ચોરીના ગુનાના આરોપીઓ લાલા મીઠા વણકર તથા યાસીન અબ્દુલ સલામ શેખને આ ગુનામાં તકસીરવાન ઠરાવીને બંન્ને આરોપીઓને પાંચ વરસની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીઓને રુપિયા એક હજારનો દંડ ની સજા ફરવાતો હુકમ કર્યો હતો. જ્યારે આ ગુનાના આરોપીઓ સોની જીગ્નેશભાઈ વિનોદચંદ્ તથા ગીરીશભાઈ રણછોડભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવામાં આવ્યાં હતાં.