સુરતઃ હજીરાની (Hazira) એ.એમ.એન.એસ (AMNS) કંપનીની ટાઉનશીપમાં (Township) આવેલા તળાવમાં બુધવારે સાંજે બે સગી બહેનોના ડુબી ગયેલા મૃતદેહ (DeadBody) મળી આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ બંને બહેનો બપોરે રમતા રમતા ગુમ થઈ હતી અને સંભવત ડૂબી જવાના કારણે તેમના મૃત્યુ થયા હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. બંને બહેનો કંપનીના કર્મચારીની જ દિકરીઓ હતી અને હજી તો ચારેક દિવસ પહેલા તામિલનાડુથી (Tamilnadu) સુરત (Surat) વેકેશનમાં (Vacation) આવી હતી.
હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ તમિલનાડુના વતની અને હજીરાની એ.એમ.એન.એસ. કંપનીમાં નોકરી કરતા મહેન્દ્રન વેલાઈડમ કંપનીની જ ટાઉનશીપમાં પરિવાર સાથે રહે છે. મહેન્દ્રન વેલાઈડમને સંતાનમાં બે પુત્રી ક્રિષ્નાવેની(ઉ.વ.૯) અને રેણુપ્રિયા(ઉ.વ.૬) હતી. બંને દિકરીઓ વતનથી ત્રણેક દિવસ પહેલા જ આવી હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં બંને બહેનો માતાને રમવા માટે જઈએ છે તેમ કહી ઘરેથી નીકળી હતી. બપોરે કલાકો વિતી ગયા છતાં ઘરે નહીં આવતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન હજીરાની એ.એમ.એન.એસ.કંપનીના ટાઉનશીપમાં આવેલા તળાવમાં બંને બહેનો ડુબેલી હાલતમાં સાંજે મળી હતી. કંપનીના ફાયર બ્રિગેડે બંનેની બોડી બહાર કાઢી ટાઉનશીપની હોસ્પિટલમાં ખસેડતા તબીબે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ થતા હજીરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને બાળકીઓના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે આ ઘટના અંગે પ્રાથમિક તબક્કે એવું જણાવ્યું છે કે મહેન્દ્રન વેલાઈડમ મુળ તમિલનાડુના વતની છે.
મહેન્દ્રન વેલાઈડમ એએમએનએસ કંપનીમાં એક્ઝીક્યુટીવ પોસ્ટ પર નોકરી કરે છે. મહેન્દ્રન થોડા મહિના પહેલા જ આવ્યા હતા. મહેન્દ્રનની બંને દિકરીઓ રમતા- રમતા તળાવ પાસે પહોંચી ગઈ હતી. ત્યારે તળાવમાં ન્હાવા પડતા બંનેનું ડુબી જવાથી મોત થયું હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. જોકે હકીકતમાં ટાઉનશીપના તળાવમાં બાળકી કઈ રીતે ડુબી તેની તપાસ પોલીસે શરૂ કરી છે. બે સગી બહેનોના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.