પોરબંદર: શુક્રવારે મધરાત્રે ગુજરાતના પોરબંદર નજીક ઓખાના દરિયામાં બે વિદેશી જહાજ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. સામાન્ય રીતે દરિયામાં બે જહાજ વચ્ચે ટક્કર થવાનું જોવા મળતું નથી, પરંતુ આ બે વિદેશી જહાજો એક જ રૂટ પર સામસામે આવી ગયા હતા અને એકબીજા સાથે ટકરાયા હતા. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બંને જહાજને ભારે નુકસાન થયું હતું. આ બંને વિદેશી જહાજમાં કુલ 43 ક્રુ મેમ્બર્સ હતા. તેઓએ હેલ્પ માટે સંદેશો મોકલ્યો ત્યાર બાદ ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર ઘટનાસ્થળે પહોંચી ઈન્ડિયન કોસ્ટગાર્ડે (Indian cost guard) 43 જણાને બચાવી સહીસલામત કિનારે પહોંચાડ્યા હતા. દરિયામાં બે જહાજ વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તેનું કારણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ઓખા ( Okha) નજીક શુક્રવારે રાત્રે 10 વાગ્યે બે વિદેશી જહાજ (Ship) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંને જહાજને ભારે નુકસાન થયું છે. MV એવિએટર અને MV ક્રેઝ વચ્ચે ટક્કર થઈ હતી. જેની જાણ ભારતીય સુરક્ષા એજન્સીને ( Indian Security Agency )થતા સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતાં. જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન થાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક જહાજ હોંગકોંગ અને બીજુ જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું જાણવા મળ્યું છે. માર્શલ આઈલેન્ડના જહાજમાં ફિલિપાઈન્સના અને હોંગકોંગના જહાજમાં ભારતીય ક્રુ મેમ્બર હોવાની વિગતો સાંપડી છે.
માહિતી અનુસાર શુક્રવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ઓખા નજીક દરિયામાં બે મોટા જહાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લગભગ ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર આ બે જહાજ વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર બાદ મદદ માટે બંને જહાજના અધિકારીઓ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સી પર હેલ્પનો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેના પગલે ભારતીય કોસ્ટગાર્ડની (Coast Guard)એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોસ્ટગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે લાગી ગયા હતા. જહાજોમાંથી ઓઈલ લીક ન થાય તે માટે કોસ્ટગાર્ડ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ તમામ ક્રુ મેમ્બરર્સને બચાવી લેવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મધદરિયે થયેલા આ અકસ્માતમાં એક જહાજ હોંગકોંગનું અને બીજું માર્શલ આઈલેન્ડનું હતું. હોંગકોંગના જહાજમાં 21 ક્રુ મેમ્બર ભારતીય હતા જ્યારે માર્શલ આઈલેન્ડના જહાજમાં 22 ક્રુ મેમ્બર ફિલિપાઈન્સના હતાં. તમામ 43 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં છે. પરંતુ બંને જહાજને નુકસાન થયું છે. જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન થાય એ માટે ભારતીય સુરક્ષા એજન્સી દ્નારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.