SURAT

તિરુપતિ કપાસિયા તેલના સ્ટીકર, બૂચ લગાવી ડુપ્લીકેટ તેલ વેચનારા બે વેપારી સુરતમાંથી પકડાયા

સુરત : શહેરમાં થોડા સમય પહેલાં નકલી ઘી અને પનીર મળી આવ્યા હતા. હવે શહેરના લિંબાયત વિસ્તારમાં ડુપ્લીકેટ કપાસિયા તેલના ડબ્બા મળ્યા છે. લિંબાયત પોલીસે નકલી તેલ વેચનારા બે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ભૂષણ મહેન્દ્ર દાણી (ઉં.વ. 34, રહે. પાલડી અમદાવાદ)એ ફરિયાદ આપી હતી કે તેમની એન.કે પ્રોટીન્સ પેઢી હેઠળ બનતા કપાસિયા તેલનું ડુપ્લીકેશન કરી સુરતમાં વેચવામાં આવી રહ્યું છે. સુરતના વેપારીઓ કોપીરાઈટ એક્ટનો ભંગ કરી રહ્યાં છે.

એન.કે. પ્રોટીન્સના ભૂષણ દાણીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા લિંબાયત વિસ્તારમાં દુકાનદારો અલગ અલગ કંપનીના 15 કિલોના કપાસિયા તેલના ડબ્બા લાવી તેના સ્ટીકર તથા ઢાંકણ પર લગાવેલું બુચ કાઢી એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ. કંપનીના તિરૂપતી કપાસિયા તેલના સ્ટીકર તથા બુચ લગાવી ડુપ્લીકેટ તેલનું વેચાણ કરતા હતા. પહેલી નજરે જોતાં તે ડબ્બા એન.કે. પ્રોટીન્સના ઓરિજનલ હોવાનું લાગતું હતું. આ રીતે લેભાગુ વેપારીઓ એન.કે. પ્રોટીન્સ બ્રાન્ડનો ખોટી રીતે ઉપયોગ કરી નકલી તેલ વેચી રહ્યાં હતાં.

પોલીસે આ કેસમાં નીલગરી સર્કલ પાસે કમનગર ખાતે આવેલી દુકાન નં. 165,166 શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના વેપારી લાલારામ કાનુજી તૈલી (ઉં.વ. 35, રહે. ત્રિકમનગર, લિંબાયત, સુરત) તથા શિવદર્શન સોસાયટીમાં આવેલી દુકાન નં. 5 અને 6 શ્રી હરીઓમ સુપર સ્ટોર બોર્ડના વેપારી મદનલાલ ભેરુલાલ પ્રજાપતિ (ઉં.વ. 44, રહે. શિવદર્શન સોસાયટી, લિંબાયત)ની ધરપકડ કરી છે.

આરોપી વેપારીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ અલગ અલગ કંપનીના સસ્તા ભાવે મળતા તેલના ડબ્બા લાવી તેના પર લગાવેલા સ્ટીકર તથા ઢાંકણ પર લગાવેલું બુચ કાઢી નાંખી તિરૂપતિ કપાસિયા તેલનું સ્ટીકર લગાવી ઊંચા ભાવે વેચાણ કરે છે. પોલીસે આરોપી વેપારીઓની દુકાનમાંથી 9200ની કિંમતના કુલ 5 ડુપ્લીકેટ ડબ્બા કબ્જે લીધા છે.

તેલના ડબ્બા પર ઓરિજિનલ એમ્બોસ નહોતું
પોલીસ તપાસ દરમિયાન એન.કે. પ્રોટીન્સના કર્મચારીઓ પણ સાથે રહ્યાં હતાં. બંને વેપારીની કરીયાણાની દુકાનમાં તપાસ કરતા એન.કે. પ્રોટીન્સ બ્રાન્ડના કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા હતા. આ તેલના ડબ્બાઓ પર ઓરિજિનલ ડબ્બા પર હોય તેવું એમ્બોસમાં અંગ્રેજીનું લખાણ નહોતું. તેમજ બુચ પર તિરૂપતિનું લખાણ ઝાંખું થઈ ગયું હતું.

Most Popular

To Top