શહેરના વેસુ અને પીપલોદ વિસ્તારમાં આવેલી બે સ્કૂલ સહિત દેશની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા દોડધામ મચી ગઈ છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોએન્કા અને પીપલોદની લાન્સર્સ આર્મી સ્કૂલને ધમકીભર્યા મેઈલ મળ્યા છે. બોમ્બથી સ્કૂલને ઉડાવી દેવાનો ઈ-મેઈલ મળતા ગભરાટ ફેલાયો છે. સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બીજી તરફ સ્કૂલને સાવચેતીપૂર્વક ખાલી કરી દેવાઈ હતી. બાળકોને રજા આપી દેવાઈ હતી. તેના લીધે સ્કૂલના રસ્તા પર સ્કૂલ વેન ચાલકો અને વાલીઓની દોડધામ જોવા મળી હતી.
દરમિયાન પોલીસનો કાફલો બંને સ્કૂલ પર ધસી ગયો હતો. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદથી પોલીસે સ્કૂલમાં બોમ્બની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સ્કૂલમાંથી કશું મળ્યું નથી.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સુરતની બે ઉપરાંત દેશની 159 સ્કૂલોને ધમકીભર્યા મેઈલ મળ્યા છે. Outjacked50.@gmail.com પરથી સ્કૂલને રાત્રે 12:59 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો છે.
અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવાની ધમકી
અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને બોમ્બ સ્કવોર્ડ સહિત સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી હતી. અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.