ડાયાબિટીસના કારણે જાતીય જીવનમાં સમસ્યાનો અનુભવ માત્ર પુરુષોને જ થાય તેવું નથી. ડાયાબિટીસને કારણે સેક્સ લાઈફમાં તકલીફો થવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો એવું માની લેતા હોય છે કે તે પુરુષોને જ લગતી સમસ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે ડાયાબિટીસને લીધે મહિલાઓના જાતીય જીવનમાં પણ સમસ્યા ઉદભવી શકે છે. શરીરમાં ગ્લુકોઝનું યોગ્ય લેવલ જળવાઈ ના શકતી હોય તેવી મહિલાઓ સેક્સ લાઈફમાં તકલીફ અનુભવે છે. એમ કહી શકાય કે ડાયાબિટીસ નહીં પરંતુ શુગરના અનિયંત્રિત પ્રમાણને કારણે મહિલા અને પુરુષ એ બંનેને સેક્સ લાઈફમાં તકલીફો થઈ શકતી હોય છે.
મહિલાઓ અને પુરુષોમાં સમાનપણે અનુભવાતી આ તકલીફમાં મુખ્ય તફાવત એ છે કે મોટાભાગના પુરુષોની જેમ મહિલાઓ આ સમસ્યાથી સંપૂર્ણ વાકેફ નથી હોતી. જાતીય સમસ્યાને લગતી અન્ય બાબતો મુદ્દે ડૉક્ટરોની સલાહ લેવામાં અગાઉ કરતાં વધુ મુક્ત બનેલી મહિલાઓ હજી પણ ડાયાબિટીસ મુદ્દે ચર્ચા કરવામાં સંકોચ અનુભવે છે. મહિલાઓ કે ડૉક્ટર બંને આ મુદ્દે એકબીજા સમક્ષ ચર્ચા કરતા નથી. જેને પરિણામે મોટાભાગના કિસ્સાઓમાં આ સમસ્યાઓનું નિદાન થઈ શકતું નથી અને જેના હિસાબે મહિલાઓને તેમની સેકસ સમસ્યાની સારવાર મળી શકતી નથી.
અનકંટ્રોલ ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ પોતે સમસ્યા અનુભવતી હોવાનો સ્વીકાર કરવામાં સંકોચ અનુભવતી હોવાની વાત સાચી પણ સામે પક્ષે એ બાબત પણ એટલી જ ગંભીર છે કે તબીબી જગતે પણ આ મુદ્દે સંશોધનમાં અત્યંત મંદ ગતિ દાખવી છે. એક સંશોધનમાં જાણવા મળેલ કે ડાયાબિટીસ ધરાવતી 35% મહિલાઓ સમાગમ દરમિયાન જાતીય સુખની ચરમસીમા સુધી પહોંચી શકતી નથી. જ્યારે ડાયાબિટીસ નહીં ધરાવતી મહિલાઓમાં આ પ્રમાણ માત્ર 6 % જેટલું જ હતું. ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ જાતીય સુખની ચરમસીમાનો અનુભવ નહીં કરી શકવાનું એક કારણ એ છે કે વધુ પડતી બ્લડશુગરને કારણે વજાઈનાની ચીકાશને અસર થાય છે. ચીકાશની આ સમસ્યાને લીધે સંવેદનાને અસર થવાની સાથે સાથે સેક્સ દરમિયાન મહિલા પીડાનો અનુભવ કરે છે. જેથી સેક્સ આનંદની જગ્યાએ દુઃખદાયક પ્રક્રિયા બની જાય છે.
ડાયાબિટીસ ધરાવતી મહિલાઓમાં ચીકાશ એ એકમાત્ર સમસ્યા નથી. શુગરના પ્રમાણ અને કામેચ્છાને પણ એકબીજા જોડે પણ સંબંધ છે. જેની સીધી અસર સેક્સની આનંદદાયક અનુભૂતિ ઉપર તથા સેક્સ માણવાની ઈચ્છા પર થાય છે. જ્યારે બ્લડશુગરનું પ્રમાણ અનિયંત્રિત થઈ જાય છે ત્યારે તેની અસર સેક્સના આહલાદક અનુભવ માટે સંવેદના જગાવતી ચેતાગ્રંથિઓને લોહી પહોંચાડતી રુધિરવાહિનીઓ ઉપર પડે છે. જેટલો વધુ સમય સુધી બ્લડશુગરનું પ્રમાણ અનિયમિત રહે તેટલો વધુ સમય લોહીના પરિભ્રમણની સમસ્યા રહેવાની અને તેનાથી જાતીય ઈચ્છા પર માઠી અસર થવાની. શરીરમાં ગ્લુકોઝનું વધતું પ્રમાણ ચેતાગ્રંથિઓ પર આવરણ તરીકે રહેલા માઈલીન નામના પ્રોટિનનો નાશ કરે છે. આમ થવાને લીધે ચેતાગ્રંથિઓને નુકસાન થાય છે. ગ્લુકોઝનું વધુ પડતું પ્રમાણ ચેતાગ્રંથિઓની ચયાપચયની ક્ષમતાને નુકસાન કરે છે. જેના લીધે તેમાં સોરબીટલ નામની શુગર ભેગી થાય છે. જેની અસર જાતીય જીવન ઉપર નેગેટીવ થતી હોય છે.
લોહીનો અપૂરતો પ્રવાહ અને ચેતાગ્રંથિઓની નબળી કામગીરી ઉપરાંત ડાયાબિટીસ ધરાવતી મહિલાઓને અન્ય બે સમસ્યા પણ નડવાની શક્યતાઓ રહેલી છે. જેમાં યીસ્ટ (ફંગલ) ઇન્ફેક્શન તથા મૂત્રવાહિનીના ચેપનો સમાવેશ થાય છે. યોનિ પ્રદેશ ભેજવાળો અને હૂંફાળો હોય છે. જેના લીધે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ રહેલી છે. શુગરનું વધુ પ્રમાણ આગમાં ઘી નાખવા જેવું કામ કરી શકે છે. જેને કારણે વધારે પ્રમાણમાં બ્લડશુગર ધરાવતી મહિલાઓમાં ફંગલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે.
તેની અસર સેક્સમાં મહત્ત્વનો ભાગ ભજવતા યોનિના સંવેદનશીલ કોષો ઉપર થાય છે અને તેના લીધે સેક્સનો આનંદ માણી શકાતો નથી. તેના કારણે યોનિના કોષો સૂક્ષ્મ બની જાય છે અને તેમાં બળતરા થાય છે. આમ થવાથી ચીકાશ ઓછી થઈ જતા સેક્સ માણવામાં તકલીફ અને પીડાનો અનુભવ થાય છે. અમુક વખત આ ઇન્ફેક્શનના કારણે યોનિમાર્ગમાંથી વાસ પણ આવતી હોય છે અને આ વાસના કારણે ઘણી બધી વાર મહિલા ક્ષોભવાળી સ્થિતિ અનુભવતી હોય છે અને તેના કારણે તે સેક્સ માણવાનું ટાળતી હોય છે.
મહિલાઓની જાતીય ક્ષમતા પર ડાયાબિટીસની ગંભીર અસર થવાનું એક કારણ એ પણ છે કે મહિલાઓની જાતીયતા એ એક અત્યંત જટિલ બાબત છે. કેટલીક વખત જાતીય સમસ્યા ગ્લુકોઝને કારણે ઉદભવતી હોય છે તો કેટલીક વાર ડાયાબિટીસને કારણે મહિલાની શારીરિક સ્થિતિ નબળી થઈ ગઈ હોવાને કારણે તેની સેક્સ માણવાની ક્ષમતા પર પણ અસર થાય છે. ડાયાબિટીસનો ભોગ બનેલી મહિલાઓ તણાવને કારણે પણ સેક્સ માણવામાં તકલીફ અનુભવે છે.
અનકંટ્રોલ ડાયાબિટીસને કારણે સેક્સ લાઈફમાં સમસ્યા અનુભવતી દરેક મહિલાની સમસ્યાનો કોઈ એક સામાન્ય ઉકેલ નથી. આમ છતાં મારા મતે બે ઉપાયો દરેક મહિલાઓ માટે અસરકારક છે. ૧) તમારી સમસ્યા અંગે તમારા ડૉક્ટરને મુક્ત મને જણાવવામાં સહેજ પણ સંકોચ રાખશો નહીં. દુનિયાની તમે પહેલી વ્યક્તિ નથી જેને ડાયાબિટીસ હોય અને જાતીય જીવનમાં તકલીફ પણ થતી હોય. બ્લડશુગર અંગેની તમારી સમસ્યા જાણ્યા બાદ ડૉક્ટર તમને યોગ્ય ઉપચાર દર્શાવવા ઉપરાંત તમારી રોજિંદી લાઈફ સ્ટાઈલમાં પણ કેટલાક ફેરફાર કરવાનું જણાવશે. હેલ્ધી લાઈફ સ્ટાઈલ તમારી સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
૨) જાતીય સમસ્યાના નિદાન માટેના ઉપચાર અંગે ડૉક્ટર સાથે ચર્ચા કરતા સહેજ પણ સંકોચ રાખશો નહીં. ભલે પછી તે યોનિમાર્ગના ચીકાશની સમસ્યા હોય કે સંવેદનશીલતાની. હોર્મોનની સારવાર તેમાં ઉપયોગી નીવડી શકે છે. આ જ રીતે યોગ્ય દવા અને ક્રીમ દ્વારા ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા પણ દૂર કરી શકાય છે. યોનિમાર્ગના બીજા ઇન્ફેક્શન અને તેમાં બળતરા જેવી સમસ્યા અંગે તમારા ડૉક્ટરને જણાવવાથી તમારા બ્લડશુગર પર નિયંત્રણ મળવાની સારવારમાં કદાચ થોડા ફેરફાર પણ ડૉક્ટર તમને સૂચવી શકે છે. ટૂંકમાં જો તમે જાતીય જીવનનું સુખ સારી રીતે ના માણી શકતા હો તો તે અંગે તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. આ માટે સેક્સોલોજીસ્ટનો સંપર્ક પણ તમે કરી શકો છો.