સુરત: શહેરની બ્રાન્ચો દારૂ, જુગારની ઉઘરાણીમાં વ્યસ્ત થઈ ચૂકી છે, ત્યારે સ્થાનિક પોલીસની હાલત કફોડી બની ગઈ છે. દારૂ અને જુગારમાંથી બહાર નહીં આવી રહેલી બ્રાન્ચને કારણે હવે પોલીસ કર્મીઓની ધુલાઈ થઈ રહી છે. સોમવારે મોડી રાત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના બે પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.
- સલાબતપુરા ડી-સ્ટાફના બે પોલીસકર્મી ભાગતી રિક્ષાનો પીછો કરી ટીમલીયાવાડ પહોંચ્યા, તો ”લેને કે દેને પડ ગયે”
- રિક્ષામાંથી ઉતરેલા ગુંડાઓ ગાળાગાળી, ઝપાઝપી કરતાં ફરી વળ્યા, બંને પોલીસકર્મીએ ભાગવું પડ્યું
- પોલીસે હત્યાના પ્રયાસના એક આરોપી સહિત ત્રણને વડોદરાથી દબોચ્યા, બે હજુ ફરાર
દરમિયાન માથાભારે પાંચ જેટલા યુવક ભરેલી રીક્ષા ચેક કરવાના મુદ્દે થયેલી ઝપાઝપીમાં પોલીસના દંડાથી બંને પોલીસ કર્મીઓની ધુલાઈ કરી નંખાતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી પાંચ પૈકી એક હત્યાના આરોપી સહિત ત્રણને બરોડાથી ઝડપી પાડી અન્યોની શોખખોળ શરૂ કરી છે.
શહેરના સલાબતપુરા પોલીસ મથકના ડી-સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર પરમાર અને પુંજાભાઈ બુલેટ પર, રાત્રે ભાઠેના નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ત્યારે રિક્ષામાં બેસેલા ચારથી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પુંજાભાઈએ તેમનો પીછો કર્યો હતો.
સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તારના એલ.આઈ.સી. કવાટર્સ સુધી પહોંચ્યા હતા, પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે, ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
દરમિયાન પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા માટે દંડાથી મારવાનું શુરું કરી દીધું હતું. જો કે આરોપીઓએ તેમનો જ દંડો ઝૂંટવી લઈ તે જ દંડાથી પોલીસ દાદાની ધુલાઈ શરૂ કરી દેતા તેઓ બચાવો બચાવોની બુમો પાડી જીવ બચાવી ભાગી ગયા હતાં. બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત પોલીસકર્મીની ફરિયાદના આધારે અઠવા પોલીસે પાંચ જેટલા ઈસમો સામે ગુનો નોંધી મર્ડરનો આરોપી તુફેલ શેખ, નીતિન તથા એસ.કે સહિત ત્રણ ઇસમોને બરોડાથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્યોની શોખખોળ હાથ ધરી છે.
ગુનેગારો પોલીસથી બેખૌફ, થોડા દિવસ પૂર્વે જ બુટલેગરે પોલીસકર્મી પર કાર ચઢાવી દીધી હતી
શહેર પોલીસ પર હુમલાની આ બીજી ઘટના છે અને એ પણ અઠવા વિસ્તારમાં બની છે. થોડા દિવસો પહેલા આ જ વિસ્તારમાં બુટલેગરે બેફામ થઈને કાર પોલીસકર્મી ઉપર ચઢાવી દીધી હતી. તેના થોડા દિવસ બાદ જ આ વિસ્તારમાં સલાબતપુરા વિસ્તારના બે પોલીસકર્મીઓ ઉપર ચારથી પાંચ જેટલા લોકોએ પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી, તે જ લાકડીથી બંને પોલીસકર્મીઓને માર માર્યો હતો. ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી.
પોલીસ કન્ટ્રોલને જાણ કરાતાં પીસીઆર વાન પણ ઘટનાસ્થળે પહોંચી
હુમલાની ઘટના બનતા જ પોલીસકર્મીઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને અઠવા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ મોડીરાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી. અસામાજિક તત્વો બેફામ થઈને પોલીસકર્મીઓ પર હુમલો કરી રહ્યા છે, જ્યારે રિક્ષામાં બેસેલા આરોપીઓ હત્યાના પ્રયાસના આરોપી છે, તેવી માહિતી પણ હાલ અઠવા પોલીસને મળી છે.
