સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં બે વિમાનો વચ્ચે હવામાં ટકરાવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સિડનીના દક્ષિણ-પશ્ચિમમાં બે હળવા વિમાનો વચ્ચે હવામાં ટક્કર થઈ અને ક્રેશ થઈને જંગલ વિસ્તારમાં પડ્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની પોલીસ, અગ્નિશામક દળ અને એમ્બ્યુલન્સ ટીમ સિડનીથી લગભગ 55 માઈલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત અર્ધ-ગ્રામીણ વિસ્તારમાં બે વિમાન ટકરાઈને પડ્યા હતા તે કાટમાળના સ્થળે પહોંચી હતી. ટક્કર બાદ વિમાનમાં આગ લાગી હતી. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના કાર્યકારી અધિક્ષક ટિમોથી કેલમેને પુષ્ટિ કરી કે કેટલાક લોકોને લઈને જઈ રહેલ સેસના 182 એરક્રાફ્ટ એક અલ્ટ્રાલાઈટ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું. પીડિતો વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.
આ બંને વિમાનો સામસામે ટકરાયા હતા. જેના કારણે તેમાં બેઠેલા હવાઈ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. કેલમેને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને જણાવ્યું હતું કે સાક્ષીઓએ “આકાશમાંથી કાટમાળ નીકળતો જોયો” અને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ “કદાચ કોઈ બચી જવાની અપેક્ષા નથી.” NSW એમ્બ્યુલન્સ ઇન્સ્પેક્ટર જોસેફ ઇબ્રાહિમે એબીસીને જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, તેઓ કંઈ કરી શક્યા ન હતા.” ઓસ્ટ્રેલિયન પરિવહન સુરક્ષા બ્યૂરો આ અકસ્માતના કારણની તપાસ કરશે.