SURAT

સુરતમાં 12 કલાકમાં બે એક્સિડેન્ટમાં કોર્પોરેટરના ભત્રીજા સહિત બેના મોત

વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું, ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવા લાગ્યા છતાં સુરત શહેરમાં અકસ્માતના બનાવ ઘટી રહ્યાં નથી. પાછલા 12 કલાકમાં બે જીવલેણ અકસ્માતના બનાવ શહેરમાં બન્યા છે, જેમાં કોર્પોરેટરના ભત્રીજા સહિત બે વાહનચાલકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

ગઈકાલે બુધવારે રાતે પાલ રોડ પર બાગબાન સર્કલ પાસે અકસ્માત થયો હતો. શહેરના વોર્ડ નંબર-9ના મહિલા કોર્પોરેટરના ભત્રીજાનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું. પાલનપુર પાટિયા ખાતે આવેલી સંત તુકારામ સોસાયટીના વિભાગ-2માં રહેતા 40 વર્ષીય ધર્મેશભાઇ પ્રભુલાલ સાપરિયા બાંધકામ સાઇટમાં સુપરવાઇઝર તરીકેની નોકરી કરતા હતા. ગઈકાલે ધર્મેશભાઈ સાપરિયા ગૌરવપથ રોડ પાસેની સાઇટ પર ગયા હતા. રાતે તેઓ પોતાની બાઇક પર ઘરે પરત જઈ રહ્યા હતા.

ધર્મેશભાઈ બાગબાન સર્કલ પાસેના રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ધર્મેશ સાપરીયાનું રસ્તા પર જ મોત નિપજ્યું હતું. મૃતક ધર્મેશભાઇ સાપરિયા મનપા વોર્ડ નંબર-9ના કોર્પોરેટરના ભત્રીજા હતા. પાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગોટાલાવાડીમાં એક આઇસર ટ્રકે અજાણ્યા યુવકને કચડી નાંખ્યો
બીજા બનાવમાં કતારગામ ગોટાલાવાડી માનવ ધર્મ આશ્રમ પાસે એક આઇસર ટ્રકે 40 વર્ષના અજાણ્યા યુવકને કચડી નાખ્યો હતો. યુવક રોડ ક્રોસ કરતો હતો ત્યારે આઇસર ટ્રક (GJ-03-AX-7022 )ના ડ્રાઈવરે ટક્કર મારી હતી. મૃતક પાસેથી પણ કોઈ ઓળખ પુરાવો મળ્યો ન હતો. જેથી કતારગામ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઓળખની દિશામાં વધુ તપાસ કરી હતી.

અકસ્માત બાદ ભાગી ગયેલા ચાલકને પોલીસે ગણતરીની મિનિટોમાં પકડ્યો હતો. ટ્રક ચાલક ભવાન ચોથાભાઇ કાનમીયા (ઉ.વ.33 ધંધો: ડ્રાઇવિંગ રહે-ઘર નં.- 407 દ્વારકાધીશ એપાર્ટમેન્ટ દેવદીપ સોસાયટી અમરોલી, સુરત)એ ટ્રક બેદરકારીથી હંકારી અકસ્માત સર્જ્યો હતો. કતારગામ પોલીસે ટ્રકના ડ્રાઈવર ભવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top