અંકલેશ્વર,ભરૂચઃ અંકલેશ્વર GIDC માં આજે બુધવારે માર્ગ પરથી અગન જ્વાળાઓ ફાટી નીકળતા ભારે માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે કામદારો દાઝી ગયા હતા. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
- DGVCL ના અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખોદકામ વેળા બનેલી ઘટના
- ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇન તૂટી જતા ગેસ લિકેજથી લાગી આગ
- DPMC ના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લીધો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા ભૂગર્ભ ઇલેક્ટ્રીકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નિકળતા દોડધામ જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ જ્વાળા નીકળતી વેળા નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક તરફનો માર્ગ બંધ કરી રસ્તા પર નીકળતી આગની જ્વાળાઓને અટકાવવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણની ઘટના સામે આવતી હોય છે ત્યારે તકેદારી રાખવા કાળજી રાખવી એ અત્યંત જરૂરી છે.
