Columns

બે મિનિટનું પરિણામ

સ્વામી શિવાનંદ એક વખતમાં ચાર સાધકોને પ્રાણાયામ શીખવતા અને બીજા ચાર નવા શિષ્યોને આખી પ્રક્રિયા જોવા અને સમજવા માટે સામે બેસાડતા. સ્વામી શિવાનંદ ચાર જણને પ્રાણાયામ શીખવતા ત્યારે દરેક જણને શ્વાસમાં પ્રાણવાયુ અંદર લેવાનું કહેતા, પછી શ્વાસને બે મિનિટ માટે અંદર રોકી રાખવાનું કહેતા. આ બે મિનિટના ગાળામાં એમને એમ બેસી રહેવાને બદલે તેઓ બાજુમાં રાખેલા કાગળ પર પોતાનું લેખનકાર્ય કરતા.દર બે મીનીટે તેઓ લખતા અને બીજી બાજુ પ્રાણાયામ શીખવતા રહેતા.

સામે બેસીને આ પ્રક્રિયા જોઈ રહેલા નવા યુવાન શિષ્યના મનમાં પ્રશ્ન થયો, આમ આ બે બે મિનિટના ટુકડાઓમાં થોડાં વાક્ય લખવાનો શું અર્થ? તેણે ધીમે રહીને સ્વામી શિવાનંદજીને પૂછ્યું, ‘‘સ્વામીજી, આમ તૂટક તૂટક દર બે મીનીટે તમે લખો છો પણ શું આમ વાક્યો લખવાનો શો અર્થ?’’ આ સાંભળી સ્વામીજીએ એટલું જ કહ્યું, ‘‘તારી વાત કદાચ સાચી છે. આ પ્રશ્નનો મારી પાસે અત્યારે કોઈ જવાબ નથી.’’ સ્વામીજી આમ આખો દિવસ પ્રાણાયામ શીખવતા રહ્યા. સાધકો બદલાતા રહ્યા. દર બે મિનિટે થોડું થોડું લખાણ થતું રહ્યું. લખાતું રહ્યું. આખો દિવસ પૂરો થયો, રાત પડી. આખા દિવસમાં મુલાકાત માટે લોકો સ્વામીજીને મળવા પણ આવ્યા, એક કાર્યક્રમમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું.

રાત્રે સ્વામીજીએ પેલા નવા શિષ્યને બોલાવ્યો અને પૂછ્યું, ‘‘ભાઈ, તને ટાઈપ કરતાં આવડે છે?’’ પેલા શિષ્યે કહ્યું, ‘‘હા બહુ સારી રીતે આવડે છે, મારી ઝડપ પણ સારી છે.’’સ્વામીજીએ અમુક કાગળો તેને આપતાં કહ્યું, ‘‘જા આટલું હમણાં જ ટાઈપ કરી લઇ આવ.’’પેલો નવો શિષ્ય ઉત્સાહથી ગયો અને બનતી ઝડપે લગભગ કલાકમાં ટાઈપ કરેલાં ૪૦ પાનાં લઈને આવ્યો. શિષ્યે સ્વામીજીના હાથમાં કાગળ આપતાં કહ્યું, ‘‘સ્વામીજી, થઈ ગયું.’’ સ્વામીજીએ કહ્યું, ‘‘અરે વાહ, ઝડપથી કયું મેટર કેવું લાગ્યું?’’નવા શિષ્યે કહ્યું, ‘‘અદભુત લખાણ લખ્યું છે આપે.’’સ્વામીજી બોલ્યા, ‘‘આજે આખો દિવસ પેલી બે બે મિનિટમાં મેં જે લખ્યું ને તે આ લખાણ છે. મેં ત્યારે તને જવાબ નહોતો આપ્યો. હવે જો આ છે મારો જવાબ. જોઈ લે આ બે બે મિનિટનું પરિણામ. જીવનની બે મિનિટ પણ ન વેડફો. સમયનું મૂલ્ય કરો.’’સ્વામીજીએ શિષ્યને જીવનનો મહત્ત્વનો પાઠ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top