આણંદ : બોરસદ તાલુકાના ભાદરણીયા ગામે રહેતા બે શખસે ગામના જ એક વ્યક્તિ પાસેથી રૂ. દોઢ લાખ – દોઢ લાખ લઇ પોતાની જમીન ગીરો મુકી હતી. જોકે, આ બન્ને શખસે નાણાં પરત કર્યા વગર જમીનનો કબજો લઇ લીધો હતો. જેના કારણે મામલો કોર્ટમાં પહોંચતાં ન્યાયધિશે બન્નેને બે વર્ષ કેદની સજા ફટકારી હતી. જોકે, તે ઉપલી કોર્ટમાં પડકારતા 7 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો હતો.
બોરસદના ભાદરણીયા ગામે રહેતા મંજુલાબહેન કાંતિભાઈ ઠાકોર 2012ની સાલમાં આંગણવાડીમાં નોકરી કરતાં હતાં. તેઓ ગામના ચીમન રણછોડભાઈ ઠાકોરને ઓળખતાં હતાં. આ ઓળખાણમાં ચીમનને નાણાની જરૂર પડતાં તેણે પોતાની જમીન મંજુલાબહેનના પતિ કાંતિભાઈ પાસેથી 4થી જુલાઇ,2012ના રોજ ગીરો મુકી રૂ. દોઢ લાખ લીધાં હતાં. જોકે, તેણે નાણા પરત કર્યા વગર જ 2014માં જમીનનો કબજો લઇ લીધો હતો અને મંજુલાબહેનને ખેતી કરવાની ના પાડી દીધી હતી. તેવી જ રીતે સુરેશ ગોવિંદભાઈ ઠાકોરે પણ 2014માં પોતાની જમીન ગીરો મુકી હતી અને બાનાખત કરી રૂ.દોઢ લાખ મંજુલાબહેનના પતિ કાંતિભાઈ પાસેથી લીધાં હતાં.
તેમાં પણ સુરેશે કરારનો ભંગ કરી જમીનનો કબજો મેળવી છેતરપિંડી કરી હતી. આ અંગે મંજુલાબહેને 2015માં ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી બોરસદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. સરકારી વકીલ દલીલ, પુરાવા અને સાહેદોની જુબાનીને ધ્યાને રાખી કોર્ટે ચીમન ઠાકોર અને સુરેશ ઠાકોરને કસુરવાર ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત એક માસમાં રૂ. દોઢ લાખ મંજુલાબહેનને ચુકવી આપવા આદેશ કર્યો હતો. જો નાણા ન ચુકવે તો વધુ ચાર માસની કેદની ફટકારી હતી. જોકે, આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
આ અપીલના અંતે ન્યાયધીશે ચીમનભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર (બન્ને રહે. ભાદરણીયા)ને કસુરવાર ઠેરવી કલમ 406 અન્વયે ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા દરેકને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. જ્યારે કલમ 420 મુજબ સાત વર્ષની સાદી કેદની સજા તથા દરેકને રૂ.દસ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે દોઢ લાખ ચુકવવાનો હુકમ કાયમ રાખવામાં આવ્યો છે. જ્યારે અપીલના ખર્ચ રૂ.25 હજાર ફરિયાદીને ચુકવવા આદેશ આપ્યો હતો.