રાજ્યની રાજધાની ગાંધીનગર માટે નવા મહિનાનો પહેલો દિવસ સારો રહ્યો નથી. આજે તા. 1 જુલાઈ 2025ના એક જ દિવસમાં બે મોટી દુર્ઘટના બની છે. અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કૃત્રિમ તળાવમાં એક બાળક ડૂબીને મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની કળ વળે તે પહેલાં જ થોડા જ કલાકમાં ગાંધીનગરમાં બીજી મોટી દુર્ઘટના બની હતી. 5 મુસાફરોને લઈને દોડતી એક કાર કેનાલમાં ખાબકી હતી.
AMCની ભૂલના લીધે 7 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો
ગાંધીનગરના ચ-0 સર્કલ નજીક સેકટર-1માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ તળાવમાં સેક્ટર-1માં રહેતો 7 વર્ષીય કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામના બાળકનું ડુબી જવાથી કરુણ મોત થયું છે.
બાળકના કાકા વિષ્ણુભાઈ ભરવાડે કહ્યું કે મારા મોટા ભાઈનું અગાઉ મૃત્યુ થયું છે. ભાભી બે બાળકો સાથે સેક્ટર-1ના એક બંગલામાં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. ગઈકાલે સોમવારે કુલદીપ રાબેતા મુજબ ઘરેથી નજીકમાં મિત્રો સાથે રમવા ગયો હતો. લગભગ કુલદીપ ઘરેથી 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો, જે મોડી સાંજ સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યો નહોતો. મોડી રાતે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કુલદીપના ગુમ થવાની જાણવાજોગ ફરિયાદ લખાવી હતી.
દરમિયાન આજે તેની સાથે રમી રહેલાં બાળકોને પૂછતાં કુલદીપ તળાવ બાજુ રમતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ગાંધીનગર ફાયરબ્રિગેડને બોલાવીને તપાસ કરવામાં આવતાં કુલદીપનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. વિષ્ણુ ભરવાડે એએમસી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અહીં કોઈ સુરક્ષા નથી. તેથી આ ઘટના બની છે.
નભોઈ કેનાલમાં કાર ખાબકી
બાળકનો મૃતદેહ મળ્યા બાદ બીજી એક દુર્ઘટના ગાંધીનગરમાં બની છે. અહીં નભોઈ કેનાલમાં એક કાર ખાબકી છે. આ કારમાં 5 લોકો હોવાની વિગતો સાંપડી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. એક યુવતીની લાશ બહાર કાઢવામાં આવી છે. અન્યોની શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ કિયા સેલ્ટોસ કાર (GJ03 MR 4783)માં પાંચ લોકો સવાર હતા. ફાયરબ્રિગેડ દ્વારા હાલ બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન કારને બહાર કાઢવા માટે હાઈડ્રો ગાડી મંગાવવામાં આવી અને કામગીરી ચાલી રહી છે. પ્રત્યદર્શીઓએ કહ્યું કે, ગાડી ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. અચાનક કેનાલમાં ખાબકી. અંદરથી એક યુવતીએ બચાવો બચાવોની બૂમો પાડી. સ્થાનિકોએ બચાવવા પ્રયાસ કર્યો પણ તે બચી શકી નહીં.