દાહોદ : દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ટોકરવા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.૧૦મી નવેમ્બરે બપોર ૩ વાગ્યાના આસપાસ અભેસિંગ રામસીંગ બારીયા (રહે. ગુમલી, ધાનપુર, તા. ધાનપુર, જિ.દાહોદ)એ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સીમાબેન પર્વત બારીયાને અડફેટમાં લેતાં સીમાબેનને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં સારવાર દરમ્યાન સીમાબેનનું મોત નિપજયું હતું. આ સંબંધે મૃતક સીમાબેનના પુત્ર રાજુ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં લીમખેડા તાલુકા અંબા ગામે બન્યો હતો. જેમાં તા. ૯ નવેમ્બરે સાંજે ચારેક વાગ્યાના આસપાસ ટુ વ્હીલર ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ત્યાંથી પસાર થઈ રહેલ ૮૦ વર્ષીય મસુરીબેન ભુલા બારીઆ (રહે. અંબા, પટેલ ફળિયું, તા. લીમખેડા, જિ. દાહોદ)ને અડફેટે લેતા મસુરીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડાયા હતાં પરંતુ ત્યાં મસુરીબેનને હાલત અત્યંત નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન મસુરીબેનનું મોત નિપજતાં ચંન્દ્રસીંગ ભુલાભાઈ બારીઆએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.