સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગંભીર ઘટના બની છે. મિલમાં ચાલી રહેલા કામકાજ દરમિયાન એક ડ્રમ ફાટ્યો હતો જેના કારણે ભારે અફરા તફરી મચી ગઈ હતી. ડ્રમ ફાટ્યા બાદ મિલમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના બની તે સમયે અનેક કામદારો મિલમાં કામ કરી રહ્યા હતા. ડ્રમ ફાટતા 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. 10 જેટલા લોકોને ગંભીર ઇજા થઇ છે જ્યારે 2 ના મોત થયા હોવાની માહિતી છે.
જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંંચી ગઈ હતી. કડોદરા-પલસાણા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દાઝેલા લોકોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 20 લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કામદારો ફસાયા છે કે નહીં તે ચેક કરવા પતરાં તોડતાં ફાટેલા ડ્રમમાંથી વધારે આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે ફાયર વિભાગે ફરી પાણીનો મારો શરૂ કર્યો હતો. આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરી લેવાતા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરાયા છે.