નડિયાદ : મલાતજ મેલડી માતાજીના ભુવાજી જયેશભાઈ રબારી અને તેમના ચાર મિત્રો ગાડી લઈને સાવલી તાલુકાના ભમ્મરઘોડા મેલડી માતાજીના મંદિરે બાધા કરવા માટે જઈ રહ્યાં હતાં. દરમિયાન ઓડ નજીક પુરપાટ ઝડપે પસાર થતું પીકઅપ ડાલું એકાએક ભુવાજીની કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ભુવાજી અને તેમના એક મિત્રનું કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે ત્રણ મિત્રોને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ મામલે ખંભોળજ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સોજીત્રા તાલુકાના મલાતજ ગામના મેલડી માતાજીના ભુવાજી જયેશભાઈ સવાભાઈ રબારી અને તેમના મિત્રો સ્વપ્નીલ અજયસિંહ મહીડા, વિષ્ણુભાઈ હરતનભાઈ રબારી, મહેન્દ્રભાઈ શીવસિંહ મહીડા તેમજ અર્જુનસિંહ હરિસિંહ મહીડા ગત શનિવારના રોજ મોડી સાંજના સમયે સાવલી તાલુકાના ભમ્મરઘોડા મેલડી માતાજીના મંદિરે બાધા કરવા માટે અલ્ટો ગાડી નં જીજે 23 એચ 7782 લઈને નીકળ્યા હતાં.
દરમિયાન ગાડી અર્જુનસિંહ મહીડા ચલાવી રહ્યાં હતાં. તેઓ ચકલાસી, ભાલેજ થઈ કણભાઈપુરા પસાર કરી રાત્રીના પોણા દશ વાગ્યાના અરસામાં ઓડ તરફના માર્ગે આગળ વધી રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવતું પીકઅપ ડાલું નં જીજે 13 એડબલ્યુ 0739 સીધું ભુવાજી જયેશ રબારીની અલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાયું હતું.
પીકઅપ ડાલાની ટક્કર વાગવાથી અલ્ટો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં ભુવાજી જયેશભાઈ રબારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત ગાડીના ચાલક અર્જુનસિંહ મહીડા હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણ મિત્રોને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. જે ત્રણેય મિત્રો હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે સ્વપ્નીલ અજયસિંહ મહીડાની ફરીયાદને આધારે ખંભોળજ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.