આણંદ : આણંદમાંથી પસાર થતાં એક્સપ્રેસ વે પર રામનગર પાસે ટ્રેલરના પાછળના બે ટાયર ફાટી જતાં તે પ્રથમ ટ્રેકમાં પડ્યું હતું. આ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી મિનીટ્રકના ચાલકની બેદરકારીથી તે ધડાકાભેર ટ્રેલર પાછળ ઘુસી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર ડ્રાયવર અને ક્લિનરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે મિનીટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રમાં રહેતા સુરેશ દશરથ જોહરી યાદવ ટ્રેલર પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે 8મી ફેબ્રુારીના રોજ ટ્રેલર લઇ મુંબઇથી નવાસીવા ખાતે લોખંડનો જોબ (ડાય) માલ ભરીને સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે અમદાવાદ વટવા ખાતે આવેલી કંપનીમાં ખાલી કરવા માટે નિકળ્યાં હતાં. તે વલસાડ, ભરૂચ, વડોદરા થઇ અમદાવાદ તરફ જવા વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે પર ચડ્યાં હતાં. તેઓ સવારના આશરે છ વાગ્યાના સુમારે આણંદના રામનગર ગામની સીમમાંથી પસાર થતા હતા તે સમયે ટ્રેલરના પાછળના બે ટાયર અચાનક ફાટી જતાં તે રસ્તા વચ્ચે જ ઉભુ રહ્યું હતું.
જોકે, અકસ્માત ન સર્જાય તે માટે સુરેશે તેને પ્રથમ ટ્રેકમાં લઇ હાઈવે પેટ્રોલીંગની ટીમને જાણ કરતાં ગાડી આવી ગઈ હતી. હાઈવે પેટ્રોલીંગના માણસો નીચે ઉતરી બેરીકેટ મુકવાનું શરૂ કરે તે પહેલા અચાનક પુરપાટ ઝડપે ધસી આવેલી મિનીટ્રક ધડાકાભેર ટ્રેલર પાછળ ઘુસી ગયું હતું. જોકે, આ અકસ્માત પહેલા હાઈવે પેટ્રોલીંગના માણસો અને સુરેશભાઈ તુરંત દુર ખસી ગયાં હતાં. સુરેશે જોયું તો મિનિટ્રક નં. સીજી 04 એનટી 6984 હતો. તેમાં કપાસ (રૂ) ભરેલું હતું અને મિનીટ્રકમાં બેઠેલા ડ્રાઇવર તથા ક્લિનરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ ગયાં હતાં. જેના પગલે વાસદ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બન્ને વાહનોને છુટા પાડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બીજી તરફ ટ્રકના ચાલકનું લાયસન્સ જોતાં રાહુલ દુધાલાલ કાગ (રહે. શિલાવાડ રોડ, મધ્યપ્રદેશ) અને ક્લિનરનું નામ જાણવા મળ્યું નહતું. આ અંગે વાસદ પોલીસે મિનિટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિની ટ્રકમાંથી ડ્રાઇવર – ક્લિનરને બહાર કાઢવા ક્રેઇન બોલાવવી પડી
ટ્રેલર પાછળ મિનિટ્રક ધડાકાભેર ઘુસી ગઇ હતી. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે મિનિટ્રકમાં આગળનો ભાગ એકદમ ક્ષતિગ્રસ્ત બની ગયો હતો. તેમાં સવાર ચાલક અને ક્લિનરને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી અને જહેમત ઉઠાવી મિનીટ્રકમાં ફસાયેલા બન્નેને બહાર કાઢવામાં આવ્યાં હતાં.