SURAT

ચોરીના કેસમાં DGVCLના બે જુનિયર એન્જિનિયરની ધરપકડ, કંપનીનો જ લાખોનો માલ આ રીતે ચોરી લીધો

સુરત: સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ્રાચાર થતો હોય છે પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તો ચોરી પણ કરે છે. કંપનીના બે જુનિયર એન્જિનિયરોની ચોરીના ગુનામાં સુરત પોલીસે ધરપકડ કરી છે. આ બંને જુનિયન એન્જિનિયરોને કંપની દ્વારા જે માલ સામાન સાચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે માલ આ બંને એન્જિનિયરો ચોરી લેતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કડોદરા ખાતે ડીજીવીસીએલના સ્ટોરમાંથી ગઈ તા. 17 એપ્રિલના રોજ 66 કેવી સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઈ હતી. એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલા વીજ તારના બે ડ્રમની 7 લાખથી વધુ કિંમતની ચોરી થઈ હતી, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરતા બીજું કોઈ નહીં પરંતુ વીજ કંપનીમાં ફરજ બજાવનાર બે જુનિયર એન્જિનિયર જ ચોર નીકળ્યા હતા.

તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી ઉપર જ પોલીસ તપાસ કેન્દ્રીત થઈ હતી. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર સમીર વિનોદભાઈ સોજીત્રાએ આખું ચોરીનું નેટવર્ક ઉભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

સમીર સોજીત્રાએ કીમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઈજનેર વિકાસ જયંતીલાલ મેવાડાનો સંપર્ક કર્યો હતો. વિકાસ મેવાડાએ આ ચોરીનો સામાન કયા કોન્ટ્રાક્ટરને આપવો તેનો આખો પ્લાન બનાવ્યો હતો. બંને જણા એકબીજાના મેળાપીંપણામાં કડોદરાના સ્ટોરમાં મુકેલો વીજ કંપનીનો લાખોનો માલ સામાન બારોબાર બજારમાં વેચી દેતા હોવાની આશંકા છે.

કડોદરાથી માલ રવાના થતો પણ કીમ પહોંચતો જ નહીં
સ્ટોરમાંથી સામાન કાઢતી વખતે ઇ ઉર્જા સોફ્ટવેરથી આઉટ પાસ કાઢવામાં આવે છે. જેનાથી જ માલ બહાર કાઢવામાં આવે છે. પરંતુ સિસ્ટમની વિરુદ્ધમાં જઈને ભેજાબાજ જુનિયર એન્જિનિયર સમીર સોજીત્રાએ ત્યાં ચાર્જમાં હોય આઉટપાસ સિસ્ટમને બદલે મેન્યુઅલી પાસ બનાવીને લાખોનો સામાન કચેરીમાંથી બારોબાર વગે કરી દેતો હતો.

સમીર કીમમાં માલ મોકલવાનો હોવાનું ચોપડે દર્શાવતો પરંતુ કીમ માલ પહોંચતો જ નહીં. આ તરફ કીમ તરફથી કોઈ ફરિયાદ જ થતી નહીં તેથી કોઈને ખબર પડતી ન હતી. પોલીસે માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનાર કોન્ટ્રાક્ટર ધવલ લાલજી પટેલ ચોરેલો સામાન લેતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

Most Popular

To Top