Columns

બે ઝવેરાત

એક પશુઓના મેળામાં ઊંટ વેચનાર વેપારી અને ઊંટ ખરીદવા આવનાર માણસ વચ્ચે એક એકદમ સરસ ઊંચી નસલના ઊંટના ભાવતાલ માટે વાતચીત થતી હતી.અંતે બંને જણા એક ભાવ પર મંજૂર થયા.વેચનાર વેપારીને થયું, મેં ઊંટનો સારામાં સારો ભાવ લીધો અને ખરીદનારને પણ સંતોષ હતો કે મેં બહુ સારી નસલના ઊંટને વ્યાજબી ભાવે ખરીદ્યો….ઊંટ વેચનાર વેપારી પૈસા લઈને અને ઊંટ ખરીદનાર વેપારી ઊંટ લઈને પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

ઊંટનો ખરીદાર ઊંટ લઈને ઘરે પહોંચ્યો.પોતાના નોકરને બૂમ મારી કહ્યું કે ‘આ ઊંટને સંભાળ. તેના પરથી કાઠી કાઢી તેને બરાબર સાફ કર.’ નોકર માલિકની આજ્ઞા પ્રમાણે કરવા લાગ્યો.તેણે જયારે ઊંટની કાઠી કાઢી તો…કાઠી ખૂબ જ ભારી અને વધુ ગાદીવાળી હતી…

વજનમાં ભારે કાઠીને કાઢતી વખતે નોકરને તેની અંદર ગાદીની વચ્ચેથી એક મખમલનો મોટો બટવો મળ્યો …..નોકરે તે બટવો ખોલીને જોયું તો તેમાં અત્યંત મહામૂલા હીરા મોતી જડેલાં ઘરેણાં હતાં.નોકર તો તેને જોતો જ રહી ગયો. તેણે તરત પોતાના માલિકને બોલાવ્યા અને ઘરેણાં બતાવતાં કહ્યું, ‘માલિક તમે ઊંટ ખરીદીને લાવ્યા ..પણ આ જુઓ તેની સાથે શું આવ્યું છે.’

ઊંટ ખરીદનાર વેપારી પોતાના નોકરના હાથમાં ચમકતા કિંમતી ઘરેણાં જોઈ રહ્યો.ઘરેણાં ખૂબ જ મૂલ્યવાન દેખાતા હતા.બે ઘડી તો તેને કંઈ સમજાયું નહિ.થોડી પળો બાદ તે શાંતિથી બોલ્યો, ‘મેં ઊંટ વેચાતો લીધો છે ..આ ઘરેણાં નહિ …મારે આ ઘરેણાં ઊંટ વેચનાર વેપારીને પાછા આપી દેવા જોઈએ.’

અને તે તરત જ પશુઓના મેળામાં પાછો ગયો. પેલા વેપારીને શોધ્યો અને તેના હાથમાં ઘરેણાં ભરેલો મખમલનો બટવો આપી દીધો.ઊંટ વેચનાર વેપારી આ ઘરેણાં તેને ઊંટની ગાદીવાળી કાથીમાં છુપાવ્યા હતા તે ભૂલી જ ગયો હતો.તે ખૂબ રાજી થયો અને ઊંટ ખરીદનાર વેપારીને કહેવા લાગ્યો, ‘આભાર તમારો …કોઈ આટલાં ઘરેણાં પાછાં આપવા આવે જ નહિ..તમે આમાંથી તમને જે ગમે તે બે ઘરેણાં ઇનામ રૂપે લઇ લો.’

ઊંટ ખરીદનાર વેપારીએ કોઈ પણ ઇનામ લેવાની ના પાડી….વેચનાર વેપારીએ ખૂબ આગ્રહ કર્યો.ત્યારે ઊંટ ખરીદનાર વેપારી ધીમેથી બોલ્યો, ‘તમને આ બટવો આપતાં પહેલાં જ બે અતિ કિંમતી ઘરેણાં મેં મારી પાસે રાખી લીધાં છે.’આ સાંભળી ઊંટ વેચનાર વેપારી બધાં ઘરેણાં જોવા લાગ્યો..તેમાં એક પણ ઘરેણું ઓછું ન હતું.તેને પૂછ્યું, ‘ભાઈ, આમાં તો બધાં ઘરેણાં છે તો તમે ક્યાં બે ઘરેણાની વાત કરો છો?’ ઊંટ ખરીદનારે કહ્યું, ‘એ બે ઘરેણાં છે ‘ઈમાનદારી’ અને ‘આત્મસન્માન’….જે મેં આ ઘરેણાની લાલચમાં આવ્યા વિના જાળવી રાખ્યા છે;જે અણમોલ છે.’ ઊંટ વેચનાર વેપારીએ તેને સલામ ભરી.  

         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top