ન્યૂયોર્ક: બે ભારતીય વિદ્યાર્થીઓ જેઓ ગયા અઠવાડિયે અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટમાં આવેલા એક સરોવરમાં તરવા ગયા હતા તે દરમિયાન ગુમ થયા હતા, તેમનું મૃત્યુ થયું છે, એમ સ્થાનિક અધિકારીઓએ પુષ્ટી કરી હતી.
- સિદ્ધાર્થ શાહ અને આર્યન વૈદ્ય મોનરો લેકમાં પોતાના મિત્રો સાથે 15 એપ્રિલના રોજ તરવા ગયા હતા પણ તેઓ પાછા બહાર ન આવ્યા
- ઘટનાના બે દિવસ બાદ બંને ભારતીય યુવાનના મૃતદેહ મળી આવ્યા
સિદ્ધાર્થ શાહ (19), અને આર્યન વૈદ્ય (20) ઈન્ડિયાનાપોલીસ નગરથી આશરે 102 કિ.મી.ના અંતરે આવેલા મોનરો લેકમાં પોતાના મિત્રો સાથે 15 એપ્રિલના રોજ તરવા ગયા હતા પણ તેઓ પાછા સપાટી પર આવ્યા ન હતા, એમ એક સ્થાનિક અખબારે અહેવાલ આપ્યો હતો.
બે દિવસ સુધી ગહન શોધ કર્યા બાદ ડાઈવર્સને તેમનાં મૃતદેહ સપાટીથી 18 ફીટ નીચે મળી આવ્યા હતા, એમ તપાસકર્તાઓએ 18 એપ્રિલે જણાવ્યું હતું. બંને વિદ્યાર્થીઓ ઈન્ડિયાના યુનિવર્સિટીની કેલી સ્કુલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરી રહ્યા હતા.
સિદ્ધાર્થ શાહ અને આર્યન વૈદ્ય પાણીની સપાટી પર પાછા આવ્યા ન હતા અને મિત્રોએ તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અસફળ રહ્યા હતા. આગમી બે દિવસ હવામાન ખરાબ હોવાના કારણે બચાવ દળને શોધ કાર્યમાં મુશ્કેલી આવી હતી.