ગાંધીનગર : પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઇપણ હોસ્પિટલ કે ડૉક્ટરની ગેરરિતી સહન નહીં કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર વ્યકત્ત કર્યો છે. તાજેતરમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ઘટનાઓ સામે આવી છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડકમાં કડક કાર્યવાહી આરંભી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓના દર્દને દૂર કરવા માટેની યોજના છે જેમાં ગેરરીતિ કોઇપણ ભોગે નહીં જ ચલાવી તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે. જેના ભાગરૂપે જ આ યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સની કામગીરી પર ચાંપતી નઝર રાખવામાં આવી રહી છે. કોઇપણ દર્દી સાથે અન્યાય ન થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગતની SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) એ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને રાજ્યમાં આ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી શંકાસ્પદ હોસ્પિટલ્સની મુલાકાત કરી હતી. જે અંતર્ગત ગત અઠવાડિયામાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 4 હોસ્પિટલમાં ગેરરીતિઓ સામે આવી છે. રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૧૯૬ કેસમાં USG(અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને HPE (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝિામિનેશ) રિપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી.
- (1) રાજકોટની ડો. રાજેશ કંડોરિયા હોસ્પિટલને (G- 23640)ને યોજનામાંથી બરતરફ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.૨,૯૪,૯૦,૦૦૦/- પેનલ્ટી કરવામાં આવી છે.
- (2) રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. Expired થઈ ગયું હતું. હોસ્પીટલમાં ICU માં સ્વચ્છતાનો અભાવ હતો અને જરૂરી મેનપાવર ન હતો.
- (3)ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું
- (4) વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાથી રૂ.૫૭,૫૧,૬૮૯/- રકમ રીકવરી કરવામાં આવશે