World

અમેરિકાના ન્યૂ જર્સીમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાયા, 1 પાઇલટનું મોત

અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના હેમન્ટન શહેરમાં ગઈ કાલે રવિવારે એક અત્યંત ભયાનક હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં હવામાં જ બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા. જેના કારણે એક પાઇલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા પાઇલટને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના સમયે બંને હેલિકોપ્ટરમાં ફક્ત પાઇલટ જ સવાર હતા.

હેમન્ટન પોલીસના જણાવ્યા અનુસાર સવારે આશરે 11:25 વાગ્યે આ અકસ્માતની માહિતી મળી હતી. હેમન્ટન મ્યુનિસિપલ એરપોર્ટની ઉપર હવાઈ ક્ષેત્રમાં આ ટક્કર થઈ હતી. અકસ્માત બાદ સામે આવેલા વીડિયોમાં એક હેલિકોપ્ટર બેકાબૂ બનીને ઝડપથી ગોળ ફેરા ખાતું જમીન તરફ પડતું દેખાય છે. જ્યારે બીજું હેલિકોપ્ટર આગની લપેટમાં આવી જતું જોવા મળ્યું હતું.

આ દુર્ઘટનામાં એનસ્ટ્રોમ F-28A અને એનસ્ટ્રોમ 280C મોડેલના હેલિકોપ્ટર સામેલ હોવાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે એક હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયું હતું.

સ્થાનિક લોકો માટે આ ઘટના અત્યંત આઘાતજનક રહી હતી. દુર્ઘટનાનાસાક્ષીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર અવાજ સંભળાયો, ત્યારબાદ બંને હેલિકોપ્ટર બેકાબૂ બનીને આકાશમાં ફરતા નજરે પડ્યા અને થોડા જ પળોમાં જમીન પર પટકાયા. ઘટનાસ્થળ નજીક હાજર લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

અહેવાલ મુજબ બંને પાઇલટ એકબીજાને ઓળખતા હતા અને મિત્રતા ધરાવતા હતા. તેઓ ઘણી વખત એકસાથે જોવા મળતા હોવાની માહિતી પણ સામે આવી છે. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા અકસ્માતની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે પાઇલટ્સ વચ્ચે સંચાર થયો હતો કે નહીં અને દૃશ્યતા સંબંધિત કોઈ ખામી હતી કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top