જીવનનું બેલેન્સ જળવાય રહે એ પતિ પત્નીની સહિયારી જવાબદારી છે. ભૂલ સ્વીકારી કે ઋણ સ્વીકાર માટે અરસપરસ સોરી કહેવું પડે એ તો અન્યોન્ય માટે માન-સન્માન વધારનારી બાબત છે. પરંતુ ‘સોરી’નો યથોચિત ઉપયોગ થવો જોઇએ. એ માટે પ્રથમ તો પતિ પત્નીએ એકમેકના ગમા અણગમાથી વાકેફ થવું જોઇએ.
‘સોરી’ એ માત્ર શબ્દ નથી એમાં સમસંવેદન, સમર્પણ ને હૃદયનો ઉમળકો પણ હોવો જોઇએ. કેટલાકને સોરી બોલવામાં અહં નડે છે, સોરી બોલવું અપમાનજનક લાગે છે. પણ જેઓ પ્રસન્ન દામ્પત્યને સમજી વિચારીને માણે છે એવા દંપતિને આ પ્રશ્ન નડતો નથી. એક વાત મહદ્અંશે સાચી છે કે નોકરી કરતી પત્નીને ‘સોરી’ બોલવામાં મહદ્અંશે અહં નડે છે.
બાકી દિલપૂર્વક બોલાયેલ ‘સોરી’ સામાના દિલને ઝંકૃત કરી શકે છે એટલું સામર્થ્ય એમાં છે. એટલે ઘરસંસારી બાબતોમાં પતિ-પત્ની પોતપોતાના સ્વભાવ, સંવેદનાનું સાહચર્ય સાધી શકે તો એકમેકને ‘સોરી’ કહીને પોતાના દમ્પત્ય જીવનને હર્યું ભર્યું કરી શકે.
આભવા – વિનોદ એલ. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.