SURAT

ડુમસના દરિયામાં દરિયા ગણેશ મંદિર પાછળ નાહવા પડેલા બે મિત્રો ડૂબ્યા

સુરત: રવિવારની રજા હોવાને કારણે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો હરવા ફરવા માટે ડુમસ બીચ (DumasBeach) ગયા હતા. ડુમસ દરિયામાં ગણેશ મંદિર (DariyaGaneshTemple) પાછળ નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોરને લાપતા થયો છે, જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મોડી રાત સુધી ફાયરના જવાનોએ કિશોરની શોધખોળ ચાલુ રાખી હોવા છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. મોડી સાંજ સુધી દરિયામાં ભરતીના પાણી ફરી વળ્યાં હતા.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરના ભાઠેના વિસ્તારના ખોડીયાર નગર, પુષ્પા નગરમાં રહેતા પાંચ મિત્રો રવિવારની રજા હોવાને કારણે ફરવા માટે સાંજે ડુમ્મસ દરિયા કિનારે ગયા હતા. બીચ ઉપર દરિયા ગણેશ મંદિરની પાછળ પાંચ મિત્રો પૈકી 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા.

આ સમયે દરિયામાં ભરતીના પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવા લાગ્યો હતો. જ્યારે સત્યમ પાણીમાંથી બહાર આવી ગયો હતો. કોઈ પાણીમાં તણાઈ રહ્યું છે તેવું લાગતા દરિયા કિનારે સહેલાણીઓની ભીડ પણ મોટા પ્રમાણમાં એકત્ર થઇ હતી હતી. ત્યારબાદ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દિરયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી. આ જોઈને બહાર બેઠેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન સત્યમ ચૌહાણ ત્વરિત દોડીને બહાર આવી ગયો હતો, જો કે પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો. જોતજોતામાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.

વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ લગભગ દોઢ કિલોમીટર અંદર સુધી તેની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી તેમ છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. દરિયા ઉપર મૌજુદ કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમે અન્ય સેલાણીઓને દરિયામાંથી બહાર આવી જવાની સૂચના પણ આપી હતી. હાલ તો ડુમસ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

Most Popular

To Top