SURAT

દેવાળું ફૂંકનાર ગો-ફર્સ્ટની બે ફ્લાઈટનું સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ થતાં મુસાફરોની હાલત કફોડી થઈ

સુરત: વાડિયા ગ્રુપની દેવાળું ફૂંકનાર એરલાઈન્સ ગો-ફર્સ્ટની શ્રીનગર અને દિલ્હીથી ઉપડેલી બે ફ્લાઈટ સાંજે 6થી 6:20 વાગ્યાના સમય દરમિયાન મુંબઇ પહોંચવાને બદલે ડાયવર્ટ થઇ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. એવી જ રીતે ગો-ફર્સ્ટની વારાણસી-મુંબઇ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સે અમદાવાદથી મુંબઇ, ગોવા, બેંગ્લુરુ અને દિલ્હીની 2 ફ્લાઈટ સહિત કુલ 5 ફ્લાઈટ અચાનક રદ કરતાં ગો-ફર્સ્ટનાં વિમાનો ગ્રાઉન્ડેડ થતાં હોવાની ચર્ચાઓ ઉપડી હતી.

સુરતના એરપોર્ટ ડાયરેક્ટર રૂપેશકુમાર લોહાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમને જે માહિતી આપવામાં આવી છે એ મુજબ મુંબઇ એરપોર્ટ પર રન-વેની કામગીરી ચાલી રહી હોવાથી 5 કલાક એર ઓપરેશન બંધ રાખવામાં આવ્યું હતું. મુંબઈ એરપોર્ટ ઉપર એરક્રાફ્ટના હેવી ટ્રાફિકને લીધે ગો-ફર્સ્ટની શ્રીનગરથી મુંબઇ અને દિલ્હીથી મુંબઇ જઈ રહેલી ફ્લાઈટ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી.

મુંબઇ એરપોર્ટનો રન-વે મેઇન્ટેનન્સમાં હોવાથી 5 કલાક માટે NOTAMના અંકુશ મૂકવામાં આવ્યા હતા. મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રન-વેને સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો. આ કારણે મુંબઈમાં બપોરે 12થી 5 વાગ્યા સુધી આવતી ઘણી ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાતે 9.40 કલાકે મુંબઈ એટીસી તરફથી ક્લિયરન્સ મળતાં એક ફ્લાઈટ 9.50 કલાકે મુંબઇ જવા રવાના થઈ હતી અને બીજી ફ્લાઈટ આ લખાય છે ત્યારે ટેક ઓફ માટે રન-વે પર મોકલાઈ હતી.

ફ્લાઈટ સુરતમાં ગ્રાઉન્ડેડ થયાની વાત ફેલાતાં પેસેન્જરોએ હંગામો કર્યો
દેવાળું ફૂંકનાર ગો-ફર્સ્ટની ફ્લાઈટ શ્રીનગર અને દિલ્હીથી ડાયવર્ટ થયા પછી સુરત એરપોર્ટ લેન્ડ થતાં ફ્લાઈટ સુરતમાં ગ્રાઉન્ડેડ થયાની વાત ફેલાતાં પેસેન્જરોએ હંગામો કર્યો હતો. ફ્લાઈટ લાંબો સમય સુરત એરપોર્ટના એપ્રન પર પડી રહેતાં પેસેન્જરોએ સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં તેમના માટે નાસ્તા-પાણી અને બેસવાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. પણ ગો-ફર્સ્ટનું સુરત એરપોર્ટ પર કોઈ એર ઓપરેશન ન હોવાથી ઓથોરિટીએ પેસેન્જર્સને વિમાનમાંથી ઉતારવાની મંજૂરી આપી ન હતી.

ત્રણથી ચાર કલાક વિમાનમાં બેસવા સાથે ગરમી લાગતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. વિમાનનું એસી બંધ થઇ જતાં કેટલાક પેસેન્જર્સે અકળામણની ફરિયાદ કરી હતી. ગો-ફર્સ્ટનો સુરત એરપોર્ટ પર કોઈ ગ્રાઉન્ડ સ્ટાફ નથી. એરબસ 320-214ની બે ફ્લાઇટને પેસેન્જરને રિફ્રેસમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, હોટેલનો ખર્ચ કોઈ ઉપાડવા તૈયાર ન હતું. બીજી એરલાઈન્સ સાથે આ પેસેન્જર્સ શેર કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પણ ઓથોરિટી આ બંને ફ્લાઈટ સુરતથી ઝડપથી મુંબઇ પહોંચે એ પળોજણમાં પરોવાઈ હતી.

બંને ફ્લાઈટ પડી રહી હોત તો આજે સુરત એરપોર્ટના એર ઓપરેશનને અસર થતે
સુરત એરપોર્ટના સિંગલ રન-વેની નજીકના એપ્રન પર દેવાદાર ગો-ફર્સ્ટની બે ફ્લાઈટ ચાર કલાક માટે ઊભી રહી જતાં સુરત એરપોર્ટ ઓથોરિટીએ કળપૂર્વક આ બંને વિમાનો સુરતથી ઉપડી જાય એ માટે મુંબઇ દબાણ વધાર્યુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કારણ કે, આવતીકાલે આ બંને એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ થઈ જાય તો સુરત માટે મોટી સમસ્યા સર્જાય એવી સ્થિતિ હતી. એટલું જ નહીં આ બે વિમાનને લીધે સુરતના એર ઓપરેશનને પણ અસર થઈ શકે એવી સ્થિતિ હતી. અથવા બંને વિમાન સુરત એરપોર્ટના વિમાન પાર્કિંગની જગ્યા રોકી રાખે એવી સ્થિતિ બની શકે, રાતે સુરતથી બેંગ્લુરુ જતી ફ્લાઈટ માટે એપ્રન ખોલવું જરૂરી હતું.

અમદાવાદમાં 5 વિમાન પાર્ક થઈ જતાં સુરતમાં સ્થિતિ ટાળવામાં આવી?
ગો-ફર્સ્ટનાં વિમાનો ગમે ત્યારે ગ્રાઉન્ડેડ થવાની સ્થિતિ છે. મંગળવારે અમદાવાદમાં એકસાથે 5 વિમાન ફ્લાઈટ રદ થઈ પાર્ક થઈ જતાં સુરત એરપોર્ટ ઓથોરિટીએ સુરતમાં ડાયવર્ટ થઈ લેન્ડ થયેલા બંને એરક્રાફ્ટને પેસેન્જર સાથે મુંબઇ મોકલવા ભરચક પ્રયાસ કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ વિમાન કોઈપણ સંજોગોમાં સુરત એરપોર્ટ ઉપર પાર્ક પોઝિશનમાં ન આવે એ માટે પેસેન્જર્સને વિમાનમાંથી ઉતારવા દેવામાં આવ્યા ન હતા. કારણ કે, ગ્રાઉન્ડેડ થયેલાં વિમાનો વર્ષો સુધી પડ્યાં રહે છે.

Most Popular

To Top