SURAT

કોવિડ-19 રિટર્ન્સઃ રસીના બંને ડોઝ લીધા છતાં સુરતની બે મહિલા તબીબને કોરોના થયો

સુરત: આશરે પોણા બે વર્ષના લાંબા અંતરાલ બાદ સુરતમાં ફરી કોરોના ત્રાટક્યો છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિ.ના બે રેસિડેન્ટ તબીબો કોરોનાગ્રસ્ત થયા છે. આ બે રેસિડેન્ટ તબીબોમાં એક 27 વર્ષીય મહિલા અને એક 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આ બંને રેસિડેન્ટ તબીબો પૈકી એક નવી સિવિલ હોસ્પિ.ની હોસ્ટેલમાં જ રહે છે. જ્યારે બીજી વેસુ ખાતે રહે છે. બંનેને કોરોના પોઝિટિવ આવતાં જ બંનેને નવી સિવિલ હોસ્પિ.માં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી એકને રજા પણ આપી દેવામાં આવી છે. બંનેની તબિયત સ્થિર છે.

  • વાઈરસમાં મ્યુટેશન થઈ ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટને કારણે ચેપ લાગ્યો
  • કોરોનાગ્રસ્ત બંને નવી સિવિલ હોસ્પિ.ની મહિલા રેસિડેન્ટ તબીબ, એક નવી સિવિલ કેમ્પસમાં અને એક વેસુ ખાતે રહે છે
  • બંને કોરોનાગ્રસ્ત રેસિડેન્ટ તબીબોને નવી સિવિલ હોસ્પિ.માં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા, જીનોમ સિકવન્સિંગ કરાશે

બંને દ્વારા કોરોનાની રસીના બે-બે ડોઝ લેવામાં આવ્યા હતા છતાં પણ બંનેને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કોરોનાનો નવો વેરિએન્ટ સક્રિય થયો હોવાની આશંકાથી વધુ ચકાસણી માટે બંનેના સેમ્પલને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં નવા વેરિએન્ટ સાથે કોરોના ફરી સક્રિય થયો છે.

નવા વેરિએન્ટમાં દેશના અન્ય ભાગોમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ જેવા કે JN.1, LF.7 અને NB.1.8ના કેસમાં વધારો જોવા મળ્યો છે. જે બે મહિલાઓને કોરોનાની અસર દેખાઇ છે તે, બંને રેસિડેન્ટ ડોકટર પૈકી એક મેડિસિન વિભાગમાં તેમજ બીજી ઇએનટી વિભાગમાં ફરજ બજાવે છે.

બે પૈકી એક તબીબ ત્રણ દિવસ પહેલા જ વિશાખાપટ્ટનમથી આવી હોવાથી ત્યાંથી ચેપ લાગ્યાનું અનુમાન, 15થી 20ના સંપર્કમાં આવ્યા સંભાવના, લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરાશે

કોરોનાગ્રસ્ત બંને તબીબો પૈકી એકની ટ્રાવેલ હિસ્ટ્રી વિશાખાપટ્ટનમની છે. આ તબીબ ત્રણ દિવસ પહેલા જ વિશાખાપટ્ટનમથી પરત આવી હતી અને બાદમાં તેને અને તેના સાથી મહિલા તબીબને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેને પગલે એવું માનવામાં આવી રહ્યું છે કે એક તબીબને વિશાખાપટ્ટનમથી ચેપ લાગ્યો હોય અને સુરત આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલી બીજી મહિલા તબીબને ચેપ લાગ્યો હોઈ શકે. અનુમાન પ્રમાણે આ બંને રેસિડેન્ટ દર્દી અને સ્ટાફ મળીને આશરે 15થી 20 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની સંભાવના છે. જેથી આ બંને તબીબોના સંપર્કમાં આવેલા કોઈને પણ જો લક્ષણો દેખાશે તો તેમનો કોરોનાનો ટેસ્ટ કરાશે તેમ જાણવા મળ્યું છે.

કોરોનાગ્રસ્તના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકારની હાલમાં કોઈ ગાઈડલાઈન જ અમલી નથી!
આ બંને રેસિડેન્ટ તબીબોને કોરોના થયા બાદ તેમના સંપર્કમાં આવેલાઓની તપાસ કરવા માટેની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની અને ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવાની કોઈ જ ગાઈડલાઈન હાલમાં સરકાર દ્વારા જારી કરવામાં આવી નહીં હોવાને કારણે આ બંને કોરોનાગ્રસ્ત રેસિડેન્ટ તબીબોની વધુ જાણકારી મેળવી શકાય નથી.

ભવિષ્યમાં સરકાર તરફથી નવી ગાઇડલાઇન્સ આવે, તો તે મુજબ પગલાં લેવામાં આવશે તેમ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, સરકારે આ ગાઈડલાઈન ઝડપથી જાહેર કરવી જોઈએ, તો જ કોરોનાગ્રસ્તે કોઈને ચેપ લગાડ્યો છે કે કેમ તેની તપાસ કરીને કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

સુરતમાં છેલ્લો કેસ 3 ઓગસ્ટ, 2023ના રોજ નોંધાયો હતો
સુરતમાં કોરોના કાળ દરમિયાન કોરાનાએ હાહાકાર મચાવ્યો હતો. એક વર્ષ સુધી સતત લોકોને ભયના ઓથારમાં રાખનાર અને સેંકડો લોકોનો જીવ લેનાર કોરોના વર્ષ 2023ના ઓગસ્ટ માસમાં એકદમ નબળો પડયા બાદ વિદાય લીધી હતી, સુરતમાં છેલ્લો કેસ 3 ઓગષ્ટ 2023ના રોજ નોંધાયો હતો. એટલે બે વર્ષ બાદ વાયરસ ફરી સક્રિય થયો છે.

જો લક્ષણો દેખાય તો તબીબને બતાવવું, તબીબ સલાહ આપે તો કોરોનાનો ટેસ્ટ કરાવવો જરૂરી

  • જો શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના હેલ્થ સેન્ટર અથવા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવો.
  • હાલમાં લક્ષણો જણાય તો તુરંત કોવિડ ટેસ્ટની જરૂર નથી, પરંતુ લક્ષણો ચાલુ રહે તો ડોક્ટરની સલાહ લેવી.
  • જો લક્ષણો ગંભીર હોય અથવા સ્થિતિ ન સુધરે, તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને જરૂર પડે તો ટેસ્ટ કરવામાં આવશે.
  • માસ્કનો ઉપયોગ, હાથની સ્વચ્છતા અને સામાજિક અંતર જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવી.
  • જ્યાં શક્ય હોય ત્યાં ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું અને શ્વસન સંબંધી બીમારીઓથી બચવા સાવચેત રહેવું.

Most Popular

To Top