Gujarat

રાજકોટ અગ્નિકાંડમાં મનપાના બે પૂર્વ કમિશનરને કલીનચીટ, સાગઠિયાના માથે દોષનો ટોપલો ઢોળી દેવાયો

ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે સીનિયર અધિકારીઓની રાજકોટ અગ્નિકાંડમાં કોઈ જવાબદારી છે કે કેમ ? તે શોધી કાઢવા માટે રાજય સરાકર દ્વારા નીમાયેલી સત્ય શોધક કમિટીએ આપેલા રિપોર્ટમાં રાજકોટ મનપાના બે પૂર્વ કમિશનરને કલીનચીટ અપાઈ છે. આ બે કમિશનરમાં અમીત અરોરા તથા આનંદ પટેલનો સમાવેશ થાય છે. આનંદ પટેલને હજુ સુધી સરકારે કોઈ પોસ્ટિંગ આપ્યુ નથી, જયારે અમીત અરોરા હાલમાં કચ્છ કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

સરકાર દ્વારા નીમાયેલી સત્યશોધક કમિટીમાં આ સમિતિના મેમ્બર તરીકે આઈએએસ મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિએ 50થી વધુ નિવેદનો રેકર્ડ પર લઈને પોતાનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને સુપરત કર્યો છે. કમિટીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર , કોઈ પણ બાંધકામને મંજૂરી આપવાની સત્તા ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે હતી. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની સત્તા પણ ટાઉન પ્લાનિંગ વિભાગને સાત વર્ષ પહેલા સોંપી દીધી છે. એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગની જવાબદારી હતી કે આ ગેરકાયદે ગેમ ઝોનનું બાંધકામ તોડી પાડવુ જોઈએ.

ખાસ ઉલ્લેખનીય છેક સીનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ પદે રાજય સરકારે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી, આ ટીમ દ્વારા રાજકોટ મનપા, પોલીસ, ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગના સંબંધિત અધિકારીઓને દોષિત ઠેરવતો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દીધો છે. બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ એક ફરિયાદ સરાકરે તરફે દાખલ કરાઈ છે, જેમાં 15 કરતાં વધુ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, એટલું જ નહીં તેની ચાર્જ શીટ પણ કરી દેવાઈ છે.

Most Popular

To Top