સુરત: શહેરને હચમચાવી દેનારી ઘટના બની છે. હીરા ઉદ્યોગની કારમી મંદીએ હવે રત્નકલાકારોના પરિવાર બરબાદ કરવાનું શરૂ કર્યું છે. આજે શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા બે સગા ભાઈઓએ અનાજમાં નાંખવાની દવા પી આપઘાત કરી લીધો છે.
મૂળ વલ્લભીપુર તાલુકાના વતની અને વર્ષોથી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં રહેતો સુતરિયા પરિવાર આજે વિંખાઈ ગયો છે. 22 વર્ષ પહેલાં પતિને ગુમાવ્યા બાદ બે દીકરા અને બે દીકરીના મોટા પરિવારની જવાબદારી નિભાવનાર માતાએ આજે બે દીકરા પણ ગુમાવ્યા છે.
વધુમાં મળતી માહિતી અનુસાર અમરોલીની સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા પરીક્ષિત અને હિરેન સુતરીયાએ આપઘાત કર્યો છે. ગઈકાલે બુધવારે તા. 20 માર્ચની બપોરે બંને ભાઈઓએ અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. 8 વર્ષથી સ્વીટ હોમ સોસાયટીમાં આ પરિવાર રહે છે.
બુધવારે બપોરે અઢી વાગ્યા આસપાસ બંને ભાઈઓ ઘરે હતા. કંઈ કામ હોવાનું કહી બંને ભાઈ એક રૂમમાં ગયા હતા. રૂમમાં બંને ભાઈઓએ અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. થોડો સમય સુધી રૂમ નહીં ખુલતા બંને ભાઈઓની પત્નીએ રૂમમાં તપાસ કરતા બંને ભાઈઓએ દવા પી લીધી હોવાની જાણ થઈ હતી. સંબંધી અને પાડોશીઓની મદદથી બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર બાદ બંનેનું મોત નિપજ્યું હતું. 34 વર્ષીય પરિક્ષીતના પરિવારમાં પત્ની, બે દીકરા છે. 32 વર્ષીય હિરેનના લગ્ન 8 મહિના પહેલાં જ થયા હતા.
પોલીસને જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ દ્વારા પરિવારના અને સંબંધીઓના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દિવાળી પહેલાં બે મહિના નોકરી નહોતી, હોમલોનના હપ્તાની ચિંતા હતી
પિતાના અવસાન બાદ માતાએ ચાર સંતાનોનો ઉછેર કર્યો હતો. સુતરિયા પરિવાર સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરિક્ષીત અને હિરેન કમાતા થયા ત્યાર બાદ સંબંધીઓના સહયોગ અને હોમ લોન લઈ 8 વર્ષ પહેલાં અમરોલીની સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળે 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. પરિક્ષીતના લગ્ન થયા અને હોમ લોનના હપ્તાનો બોજો પડતા આર્થિક સ્થિતિ સારી નહોતી.
દરમિયાન હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના લીધે દિવાળી પહેલાં બંને ભાઈઓની નોકરી જતી રહી હતી. દિવાળી પહેલાં બે મહિના સુધી તેઓ પાસે કોઈ કામ નહોતું. દિવાળી બાદ કામ મળ્યું હતું. જોકે, તે દરમિયાન હોમ લોનના બે-ત્રણ હપ્તા ચૂકી જવાયા હતા. જોકે, માત્ર હોમ લોનના બોજ કે આર્થિક સમસ્યાના લીધે બંને ભાઈઓએ આપઘાત કર્યું હોય તેવું તેમનો પરિવાર કે સંબંધીઓ માનતા નથી. કોઈ બીજી સમસ્યા હોવાની ચર્ચા છે.
સંબંધી મનિષભાઈએ કહ્યું કે, બન્ને ભાઈએ અગમ્ય કારણોસર દવા પી લીધી છે. બન્ને ભાઈ પર હોમલોન હતી એ મને ખબર છે. બન્ને ભાઈ હીરાની બે અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. તેઓને છૂટા કરી દીધા એવું પણ નથી. બન્ને ભાઈ હીરાનું કામ કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના લીધે આપઘાત કર્યો હોવાનું માનવામાં આવતું નથી.