સુરત: લિંબાયતના જવાહરનગરમાં ગૃહકંકાસમાં નાના ભાઈએ એસીડ પીને આત્મહત્યા કરી લીધી હતી. તેની જાણ મોટા ભાઈને થતા મોટા ભાઈએ પણ એસીડ પીને આત્મહત્યા કરી લીધી હતી.
- લિંબાયતમાં પત્ની સાથે સતત અણબનાવના કારણે તનાવમાં રહેતા
- બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવારમાં ઘેરા શોકમાં
લિંબાયક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લિંબાયતમાં આવેલ જવાહર નગરમાં જીતેન્દ્ર બાબુભાઈ નાયકા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. જીતેન્દ્ર સરદાર માર્કેટમાં છૂટક મજુરી કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરતો હતો. શનિવારે બપોરે જીતેન્દ્રએ ઘરમાં એસીડ પી લીધું હતું.
પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન રાત્રે જીતેન્દ્રનું મોત નિપજ્યું હતું. જીતેન્દ્રના મોતની જાણ તેના મોટા ભાઈ બિપીન નાયકા (ઉ.વ.40) ને થતા તેણે પણ ઘરે એસિડ પી લીધું હતું. જેથી પરીવારજનો બિપીનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન બિપીનનું પણ મોત નિપજ્યું હતું. એકજ પરિવારને બે સગા ભાઈઓના મોતને પગલે પરિવાર શોક છવાઈ ગયો હતો. બનાવ બાબતે લિંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંનેના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જીતેન્દ્રનો તેની પત્ની સાથે કોઈને કોઈ બાબતે ઝગડો થતો હતો. જેથી જીતેન્દ્ર માનસિક તણાવમાં રહેતો હતો. જેના કારણે જીતેન્દ્રએ આ પગલું ભરી લીધું હતું. બાદમાં મોટા ભાઈ બિપીનને પણ આ ઘટનાની જાણ થતા તેણે પણ એસિડ પી લીધું હતું.